કલ્યાણ જ્વેલર્સે તેના શેરના ટ્રેડિંગમાં કથિત હેરાફેરી અંગે બજાર નિયમનકાર સેબીનો સંપર્ક કર્યો છે અને હસ્તક્ષેપ માટે વિનંતી કરી છે. કંપનીએ માગ કરી છે કે સેબી આ મામલાની તપાસ કરે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી F&O (ફ્યુચર્સ અને ઓપ્શન્સ) સેગમેન્ટમાં ટ્રેડિંગ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવે તેવી માગ કરી છે. કંપનીએ ગયા વર્ષે 2025માં સેબીને આ પત્ર મોકલ્યો હતો, પરંતુ તેના વિશેની માહિતી હવે સામે આવી છે. જોકે, કલ્યાણ જ્વેલર્સના આ પત્ર પર સેબીના પ્રતિભાવની વિગતો જાહેર કરવામાં આવી નથી.

સ્ટોક નીચે લાવવા માટે ઘણી ખોટી અફવાઓ ફેલાવવામાં આવી

સેબીના ઈન્ટિગ્રેટેડ સર્વેલન્સ ડિપાર્ટમેન્ટને લખેલા પત્રમાં કંપનીએ જણાવ્યું હતું કે તેણે તેના શેરમાં અસામાન્ય ટ્રેડિંગ પેટર્ન જોઈ છે અને રોકાણકારોમાં ગભરાટ ફેલાવવા અને સ્ટોક નીચે લાવવા માટે ઘણી ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હતી. કંપનીના જણાવ્યા મુજબ 29 નવેમ્બર, 2024ના રોજ તેના શેરનો F&O સેગમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2024ના અંત સુધીમાં ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ સ્પોટ પ્રાઈસ કરતાં ડિસ્કાઉન્ટ પર ટ્રેડિંગ શરૂ થયા હતા, જે કંપનીએ અસામાન્ય ગણાવ્યું હતું અને આક્રમક શોર્ટ પોઝિશનિંગ સૂચવ્યું હતું.

વધુમાં, કંપનીએ જણાવ્યું હતું કે 7 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 10:30થી 11:00 વાગ્યાની વચ્ચે બજારમાં ઘણી અફવાઓ ફેલાઈ હતી, જેમાં પ્રમોટર્સની ધરપકડ અને ફંડ મેનેજરોને લાંચ આપવાના દાવાઓનો સમાવેશ થાય છે. કલ્યાણ જ્વેલર્સે આ બધા આરોપોને નકારી કાઢ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024ના અંતથી શોર્ટ પોઝિશન બનાવવામાં આવી રહી હતી અને જાન્યુઆરીની શરૂઆતમાં નાણાકીય વર્ષ 2025ના ડિસેમ્બર ક્વાર્ટર માટે ત્રિમાસિક બિઝનેસ અપડેટ પછી તરત જ પૂર્વ-આયોજિત વ્યૂહરચનાના ભાગ રૂપે અફવાઓ ફેલાવવામાં આવી હતી.

F&O કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ બંધ કરવા કંપનીએ કરી વિનંતી

કલ્યાણ જ્વેલર્સે F&O દ્વારા શોર્ટ પોઝિશન લેવા, સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવા અને ભાવ ઘટાડાને વેગ આપવા માટે વેચાણ કરવા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેના જોડાણોમાં ઉલ્લેખિત કેટલાક વ્યક્તિઓ SEBI રજિસ્ટર્ડ રોકાણ સલાહકારો નથી અને તેથી રોકાણ સલાહ આપી શકતા નથી. ગયા વર્ષે સેબી અને એક્સચેન્જોને મોકલવામાં આવેલા દસ્તાવેજોમાં, સેબીએ જણાવ્યું હતું કે તેના શેરનો ભાવ 6 જાન્યુઆરીના રોજ રૂપિયા 745થી ઘટીને 30 જાન્યુઆરી, 2025 સુધીમાં રૂપિયા 440.65 થયો હતો, જે આશરે 41%નો ઘટાડો દર્શાવે છે. કંપનીના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન તેનું માર્કેટ કેપ આશરે રૂપિયા 76,795 કરોડથી ઘટીને રૂપિયા 45,450 કરોડ થયું હતું. કંપનીએ સેબીને વિનંતી કરી છે કે સાવચેતીના પગલા તરીકે એક્સચેન્જોને તેના F&O કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ બંધ કરવા નિર્દેશ આપે.

આ પણ વાંચો : HRA ના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, પગારદાર વર્ગ માટે લોટરી! અમદાવાદ સહિત આ શહેરોમાં વધશે ઇન-હેન્ડ સેલરી

ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.