ડિજિટલ પેમેન્ટના વધતા વ્યાપ સાથે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. સાયબર ઠગ લોકોની મહેનતની કમાણી એક ક્લિકમાં સાફ કરી દે છે. આવા સંજોગોમાં ભારતીય રિઝર્વ બેંક સામાન્ય જનતા માટે એક ક્રાંતિકારી પ્રસ્તાવ લાવી છે. આ નવા નિયમ મુજબ, જો તમારા ખાતામાંથી ઓનલાઇન છેતરપિંડી દ્વારા પૈસા કપાઈ જાય, તો તમને રૂપિયા 25,000 સુધીનું વળતર મળી શકે છે.
શું છે વળતરનો નવો નિયમ?
RBIના નવા ડ્રાફ્ટ મુજબ, જો કોઈ ગ્રાહક સાથે રૂપિયા 50,000 સુધીનું ડિજિટલ ફ્રોડ થાય છે, તો તેને નુકસાનના 85 ટકા અથવા મહત્તમ રૂપિયા 25,000 (જે ઓછું હોય તે) વળતર તરીકે પરત મળશે. જોકે, આ સુવિધાનો લાભ ગ્રાહક જીવનમાં માત્ર એક જ વાર લઈ શકશે. આ પગલાથી નાના પાયે થતી સાયબર છેતરપિંડીમાં ગ્રાહકોને મોટું આર્થિક રક્ષણ મળશે.
