કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા તાજેતરમાં અમલમાં મુકાયેલ 'EPFO 3.0' માળખું લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર લઈને આવ્યું છે. આ નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય પીએફ ફંડ ઉપાડવાની પ્રક્રિયાને અત્યંત ઝડપી અને સરળ બનાવવાનો છે. હવે સભ્યો લાંબી વેરિફિકેશન પ્રક્રિયામાં પડ્યા વગર UPI અને ATM દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ભંડોળ મેળવી શકશે.
શું ATM દ્વારા 100% ફંડ ઉપાડી શકાય?
ઘણા સભ્યોમાં એવી મૂંઝવણ હોય છે કે શું તેઓ ATM દ્વારા તેમના સમગ્ર પીએફ ફંડનો ઉપાડ કરી શકે છે. નવા નિયમો મુજબ, ATM અથવા UPI સુવિધા દ્વારા સામાન્ય સંજોગોમાં તમે તમારા કુલ નિવૃત્તિ ભંડોળના મહત્તમ 75% જ ઉપાડી શકો છો. 100% ફંડ ઉપાડવા માટે ATM સુવિધાનો ઉપયોગ કરી શકાતો નથી.
ક્યારે મળે છે 100% ફંડ ઉપાડવાની મંજૂરી?
પીએફ ખાતામાંથી સંપૂર્ણ (100%) રકમ ઉપાડવા માટે સરકારે ચોક્કસ ગંભીર પરિસ્થિતિઓ નક્કી કરી છે:
1. નિવૃત્તિ: 55 વર્ષની વય પૂર્ણ કર્યા પછી નિવૃત્ત થતા કર્મચારીઓ.
2. શારીરિક અક્ષમતા: કાયમી અપંગતા કે કામ કરવાની સંપૂર્ણ અસમર્થતાના કિસ્સામાં.
3. છટણી કે VRS: નોકરીમાંથી છટણી કે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનારા સભ્યો.
4. વિદેશ સ્થળાંતર: જેઓ ભારત છોડીને કાયમી ધોરણે વિદેશમાં સ્થાયી થાય છે.
બેરોજગારી અને પેન્શન અંગેના ફેરફારો
જો કોઈ કર્મચારી પોતાની નોકરી ગુમાવે છે, તો તેઓ અગાઉના પ્રતિબંધો વિના તેમના કુલ પીએફના 75% તાત્કાલિક ઉપાડી શકે છે. બાકીના 25% રકમ 12 મહિના સુધી બેરોજગાર રહ્યા પછી ઉપાડી શકાય છે. આ ઉપરાંત, પેન્શન ફંડ (EPS) ને વધુ મજબૂત બનાવવા માટે, હવે સભ્યો 2 મહિનાને બદલે 36 મહિના (3 વર્ષ) ની રાહ જોયા બાદ પેન્શન ફંડનો લાભ લઈ શકશે, જેથી 10 વર્ષની લઘુત્તમ સેવા પૂર્ણ કરનારા કર્મચારીઓને આજીવન સામાજિક સુરક્ષા મળી રહે.
આ 3 શરતો પૂર્ણ કરવી છે ફરજિયાત
આ હાઇ-ટેક સુવિધાનો લાભ લેવા માટે નીચેની ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:
તમારો UAN (Universal Account Number) સંપૂર્ણપણે સક્રિય હોવો જોઈએ.
તમારો મોબાઇલ નંબર UAN સાથે લિંક અને ચાલુ હોવો જોઈએ.
તમારું KYC (બેંક ખાતું, IFSC કોડ, PAN કાર્ડ) સંપૂર્ણપણે અપડેટ અને વેરિફાઈડ હોવું જોઈએ.
આ સુધારાઓ કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે નાણાકીય વ્યવહારને વધુ પારદર્શક અને સરળ બનાવશે.
આ પણ વાંચોઃ Alert! હેલો કહેતા જ કોલ ડિસ્કનેક્ટ થાય છે? બેંક ખાતુ થઇ જશે ખાલી