આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે દરેક વ્યક્તિ રોજગાર અને આવકના નવા સાધનો શોધી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક અનોખો અને પ્રેરણાદાયક વીડિયો વાયરલ થયો છે. પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન હર્ષ ગોયેન્કાએ પોતાના ટ્વિટર (X) એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ એક પણ રૂપિયો ખર્ચ્યા વિના ખૂબ જ સરળ રીતે દર મહિને 70000 રૂપિયા સુધીની કમાણી કરી રહી છે. આ વીડિયોએ નેટીઝન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે અને બિઝનેસના નવા પાસાઓ વિશે વિચારવા મજબૂર કર્યા છે.


પૈસા માગ્યા વગર કર્યા તિલક

વીડિયોમાં એક યુવાન ઋષિકેશના પ્રખ્યાત ઘાટ પર જોવા મળે છે. તે કોઈ મોટા પ્લાન્ટ કે મૂડીરોકાણ વિના, માત્ર હાથમાં પૂજાની થાળી અને તિલક લઈને ગંગા આરતી માટે આવતા ભક્તોને કપાળ પર તિલક લગાવવાનું કાર્ય કરે છે. શરુઆતમાં કામ ધીમું હતું, પરંતુ ગંગા આરતી સમયે જ્યારે ભક્તોની ભીડ ઉમટી, ત્યારે આ યુવકની કમાણીમાં મોટો ઉછાળો આવ્યો. ભક્તોએ પોતાની શ્રદ્ધા અને ખુશીથી 10, 20, 50 અને 100 રૂપિયા સુધીની દક્ષિણા આપી હતી.

દિવસના અંતે માત્ર તિલક કરી કમાણી કરી

દિવસના અંતે જ્યારે આ યુવકે પોતાની કુલ કમાણી ગણી, ત્યારે તે આંકડો 2350 રૂપિયા પર પહોંચ્યો હતો. આ આંકડાને જો મહિનાના ૩૦ દિવસ સાથે ગુણવામાં આવે, તો તે મહિનાની આશરે ૭૦,૦૦૦ રૂપિયા જેટલી રકમ થાય છે. હર્ષ ગોયેન્કાએ આ વીડિયો શેર કરતા તેને 'પૈસા કમાવવાની એક નવી રીત' ગણાવી છે. આ ઉદાહરણ દર્શાવે છે કે કોઈપણ કામ નાનું હોતું નથી અને જો યોગ્ય સ્થળ અને સમજદારીપૂર્વક મહેનત કરવામાં આવે, તો શૂન્ય રોકાણ સાથે પણ સન્માનજનક આવક મેળવી શકાય છે.


વીડિયો જોઇ લોકો કહી રહ્યા છે સ્માર્ટ વર્ક

આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા લોકો તેને 'સ્માર્ટ વર્ક' ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો માટે તે આશ્ચર્યજનક છે. આ કિસ્સો એવા યુવાનો માટે એક શીખ સમાન છે જેઓ લાંબા સમયથી બિઝનેસના આઈડિયા શોધી રહ્યા છે પરંતુ મૂડીના અભાવે અટવાયા છે. હર્ષ ગોયેન્કા દ્વારા આ વીડિયો શેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય કદાચ એ જ છે કે કમાણી કરવા માટે માત્ર ડિગ્રી કે મોટા રોકાણની જ નહીં, પરંતુ તકને ઓળખવાની દ્રષ્ટિ અને સતત મહેનત કરવાની ક્ષમતાની પણ જરૂર હોય છે. કોઈ પણ કાર્યને નિષ્ઠાથી કરવાથી અને સાચી દિશામાં પ્રયત્ન કરવાથી આર્થિક સફળતા ચોક્કસ મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ Pakistan: સિંધુ જળ સંધિ પર પાકે બતાવી પોતાની ઓકાત, ભારતને આપી ગીધડ ધમકી!

  • Follow us on: