ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે હવે 'સિંધુ જળ સંધિ'એક મોટો રાજદ્વારી મુદ્દો બની ગયો છે. પાકિસ્તાનના આબોહવા પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે ભારતને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે, જો ભારત પાકિસ્તાન તરફ આવતા પાણીને અટકાવવાનો પ્રયાસ કરશે, તો તેઓ આ સહન નહીં કરે અને જવાબ આપવામાં પાછા નહીં પડે. તેમની આ નિવેદનબાજીમાં તેમણે અત્યંત ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો છે.


પહેલગામ હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યુ હતુ

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી." આ નીતિના ભાગરૂપે ભારતે 1960 જળ સંધિને સ્થગિત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી તેને જળ સંધિનો લાભ મળવો જોઈએ નહીં.

મુસાદિક મલિકે સિંધુ જળ સંધિ પર આપી ધમકી

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, મુસાદિક મલિકે આ મુદ્દાને હવે વૈશ્વિક મંચ પર લઈ જવાની ધમકી આપી છે. તેમણે યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચોનો સહારો લેવાની વાત કરી છે. પાકિસ્તાન દાવો કરે છે કે તેમની ૪૦% થી ૫૦% વસ્તી ખેતી પર નિર્ભર છે અને ભારત દ્વારા પાણી રોકવાથી તેમની ખાદ્ય સુરક્ષા અને અર્થવ્યવસ્થા જોખમમાં મુકાશે. જોકે, પાકિસ્તાન એ ભૂલી રહ્યું છે કે આ સમગ્ર વિવાદના મૂળમાં ભારતની સુરક્ષા અને પાકિસ્તાન દ્વારા સતત ચલાવવામાં આવતો આતંકવાદ છે. પાકિસ્તાન ક્યારેય ભારતને એ ખાતરી આપવામાં સફળ રહ્યું નથી કે તે પોતાની જમીનનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે થતો અટકાવશે.

ભારત કોઇ પણ પ્રકારે સમજૂતી કરવા તૈયાર નહીં

વિશ્વ બેંકની મધ્યસ્થીથી 1960 થયેલી આ સંધિ વર્ષોથી સિંધુ અને તેની ઉપનદીઓના પાણીની વહેંચણીનું માધ્યમ રહી છે. પરંતુ પાકિસ્તાનની આતંકવાદી નીતિઓએ ભારતને આ કડક નિર્ણય લેવા મજબૂર કર્યું છે. ભારત હવે સિંધુના પાણીનો ઉપયોગ પોતાની જરૂરિયાત મુજબ અને યોગ્ય ગણાય તે રીતે કરવા માટે કટિબદ્ધ છે. પાકિસ્તાનની આ ધમકીઓ માત્ર તેમની હતાશા દર્શાવે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ મુદ્દે એકલવાયું પડેલું પાકિસ્તાન હવે પાણીના બહાને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર નથી.

આ પણ વાંચોઃ  ભારતની આ જેલમાં મળે છે ફાઇવ સ્ટાર ક્વોલિટીનું ભોજન! 

  • Follow us on: