સરળતાથી મળનારી લોન હવે સૌથી વધુ જોખમી સાબિત થઈ રહી છે. રિઝર્વ બેંકના તાજેતરના અહેવાલ મુજબ, પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ જેવી અનસિક્યોર્ડ લોન ડિફોલ્ટ થવાની શક્યતા સૌથી વધુ છે. કોઈપણ ગેરંટી વિના ઉપલબ્ધ આ લોન તાત્કાલિક જરૂરિયાત પૂરી કરે છે, પરંતુ જો ગ્રાહકો સમયસર ચુકવણી ન કરે તો તે તેમના પર બોજ સાબિત થાય છે.


ડિફોલ્ટ લોનમાં અનસિક્યોર્ડ લોનનો વધ્યો હિસ્સો

RBI ના મતે, ભારતની શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોમાં કુલ રિટેલ લોન ડિફોલ્ટના 53.1% હિસ્સો માત્ર અનસિક્યોર્ડ લોનનો છે. મહત્વની વાત એ છે કે ખાનગી બેંકો પર તેની અસર વધુ છે. માહિતી અનુસાર, ખાનગી બેંકોમાં કુલ ડિફોલ્ટના 76% અનસિક્યોર્ડ લોન સાથે સંબંધિત છે, જ્યારે સરકારી બેંકોમાં આ આંકડો ફક્ત 15.9% છે. એકંદરે, અનસિક્યોર્ડ લોન માટે NPA રેશિયો લગભગ 1.8% છે.

અનસિક્યોર્ડ લોન એટલા માટે લોકપ્રિય છે કારણ કે તે મેળવવામાં સરળ છે અને પૈસા કોઈપણ જરૂરિયાત માટે વાપરી શકાય છે. પરંતુ આમાં સૌથી મોટો ખતરો એ છે કે તેની પાછળ કોઈ ગેરંટી નથી હોતી, જેના કારણે ડિફોલ્ટનું જોખમ વધારે રહે છે.

35 વર્ષથી ઓછી ઉંમરના લોકો લઈ રહ્યા છે અનસિક્યોર્ડ લોન

RBI રિપોર્ટમાં ફિનટેક કંપનીઓની ભૂમિકા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ, ફિનટેક લેન્ડર્સની કુલ લોન બુકમાં 70%થી વધુ અનસિક્યોર્ડ લોનનો હિસ્સો છે, અને આમાંથી અડધાથી વધુ લોન 35 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને આપવામાં આવી છે. RBIએ એમ પણ કહ્યું કે જે ગ્રાહકોએ પાંચ કે તેથી વધુ સંસ્થાઓ પાસેથી અનસિક્યોર્ડ લોન લીધી છે તેઓ સૌથી વધુ રીપેમેન્ટ સ્ટ્રેસમાં છે.

સપ્ટેમ્બર 2024 અને સપ્ટેમ્બર 2025 વચ્ચે ફિનટેક લેન્ડિંગમાં 36.1%નો તીવ્ર વધારો થયો, જેમાં પર્સનલ લોનનો ફાળો સૌથી મોટો હતો. તે જ સમયે, બેંકો દ્વારા આપવામાં આવતી Unsecured Retail Loans ની ગતિ પણ ફરી વધવા લાગી છે, જ્યારે મોટા કોર્પોરેટ્સને ધિરાણ આપવાની ગતિ હજુ પણ ધીમી છે.

ડિફોલ્ટ લોનમાં નાની રકમની લોનનું પ્રમાણ વધુ

ક્રેડિટ કાર્ડ ડિફોલ્ટ્સ પણ સતત વધી રહ્યા છે. ડિસેમ્બર સુધીમાં, ક્રેડિટ કાર્ડ NPA આશરે 6,742 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા હતા, જ્યારે કુલ બાકી રકમ 2.92 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ હતી. આમાંથી, આશરે 34,000 કરોડ રૂપિયા ત્રણ મહિનાથી એક વર્ષ વચ્ચે બાકી છે. RBIના મતે વધુ પડતો ખર્ચ અને નોકરી ગુમાવવી એ કાર્ડ ડિફોલ્ટના મુખ્ય કારણો છે.

પર્સનલ લોન પર પણ દબાણ વધી રહ્યું છે. 90 દિવસથી વધુ ઓવરડ્યૂ થનારી પર્સનલ લોનનો હિસ્સો 3.6% સુધી પહોંચી ગયો છે, જેમાં 10,000 રૂપિયા કે તેથી ઓછી રકમની નાની લોનમાં ડિફોલ્ટ દર સૌથી વધુ છે. રિપોર્ટ દર્શાવે છે કે 25 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો ખાસ કરીને ટિયર-2 શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો સૌથી વધુ જોખમમાં છે.

આ પણ વાંચો: Health Insurance: હેલ્થ ઇન્શ્યોરન્સ લેતા પહેલા સાવધાન! મેડિકલ મોંઘવારીથી બચવા માટે અપનાવો આ ટિપ્સ

  • Follow us on: