પ્રાઈવેટ બેન્કિંગ સેક્ટરમાં એક મોટો સોદો સામે આવ્યો છે. દેશની અગ્રણી ખાનગી બેન્ક કોટક મહિન્દ્રા બેન્કે AU સ્મોલ ફાયનાન્સ બેન્કમાં 9.99 ટકા સુધીની ભાગીદારી ખરીદવાની મંજૂરી મળી છે. આ પગલાને બેન્કિંગ ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણ અને વિસ્તરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
વોટિંગ રાઇટ્સ મેળવી શકશે
AU સ્મોલ ફાયનાન્સ બેન્કે ગુરુવારે એક્સચેન્જ ફાઈલિંગમાં માહિતી આપી હતી કે Kotak Mahindra Bank, તેની સહાયક કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સંબંધિત સ્કીમ્સ સાથે મળીને બેન્કમાં મહત્તમ 9.99 ટકા હિસ્સેદારી અથવા વોટિંગ રાઇટ્સ મેળવી શકશે. આ મંજૂરી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી આપવામાં આવી છે અને તેને બેન્કિંગ સેક્ટરમાં મહત્વપૂર્ણ વ્યૂહાત્મક રોકાણ માનવામાં આવી રહ્યું છે.
કોટક ગ્રુપની કેટલી છે ભાગીદારી?
માર્ચ 2026 ત્રિમાસિકના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, કોટક ગ્રુપનો Kotak Flexicap Fund પહેલેથી જ AU Small Finance Bankમાં 1.60 ટકા હિસ્સો ધરાવે છે. ઉપરાંત, બેન્કમાં અનેક મોટા સંસ્થાગત રોકાણકારોની પણ મજબૂત હાજરી છે. તેમાં HDFC Mutual Fund, Nippon Life India, Invesco Mutual Fund અને DSP Midcap Fund જેવા મોટા રોકાણકારોનો સમાવેશ થાય છે. વીમા ક્ષેત્રની વાત કરીએ તો SBI Life Insurance અને HDFC Life Insuranceની પણ AU Small Finance Bankમાં નોંધપાત્ર ભાગીદારી છે. આથી સ્પષ્ટ થાય છે કે સંસ્થાગત રોકાણકારોનો બેન્ક પર વિશ્વાસ સતત મજબૂત બની રહ્યો છે.
શેરમાં આવ્યો ઉછાળો
AU Small Finance Bankમાં પ્રમોટર્સની હિસ્સેદારી 22.8 ટકા છે, જ્યારે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) પાસે 37.3 ટકા હિસ્સો છે. મ્યુચ્યુઅલ ફંડ્સની હિસ્સેદારી 23.2 ટકા અને પબ્લિક શેરહોલ્ડિંગ 8.1 ટકા નોંધાઈ છે. આ સમાચારની અસર શેરબજારમાં પણ જોવા મળી. ગુરુવારે સવારે ટ્રેડિંગ દરમિયાન Kotak Mahindra Bankના શેરમાં લગભગ 1 ટકા જેટલી તેજી નોંધાઈ અને શેર આશરે 380 રૂપિયાના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો. બીજી તરફ AU Small Finance Bankના શેરમાં પણ અંદાજે 0.68 ટકા વધારો નોંધાયો અને શેર 1,030 રૂપિયાની આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો.
આ પણ વાંચો : Blue Star Q4 Results : એસી બનાવતી કંપનીને ગરમી ફળી, 227 કરોડનો કર્યો નફો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.