કોટક મહિન્દ્રા બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO અશોક વાસવાણીએ વર્ષ 2026ના અંતે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે. બેન્કે 27 જૂને સ્ટોક એક્સચેન્જને આ અંગે માહિતી આપી. કંપનીએ જણાવ્યું છે કે વાસવાણીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમના કાર્યકાળ 31 ડિસેમ્બર 2026 બાદ ફરીથી નિયુક્તિ સ્વીકારશે નહીં.

CEOની શોધ માટે સત્તાવાર પ્રક્રિયા શરૂ

બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નિર્ણય પર ચર્ચા કરવામાં આવી હતી અને નવા મેનેજિંગ ડિરેક્ટર અને CEOની શોધ માટે સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. બેન્કે આશા વ્યક્ત કરી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નક્કી કરાયેલી સમયમર્યાદામાં નવા નેતૃત્વની નિમણૂક પૂર્ણ કરી લેવામાં આવશે, જેથી કામગીરી અને વ્યૂહાત્મક દિશામાં કોઈ અસર ના થાય.

2024માં પદ સંભાળ્યું હતું 

અશોક વાસવાણીએ જાન્યુઆરી 2024માં ઉદય કોટકની જગ્યાએ CEO તરીકે પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ દરમિયાન ભારતીય ફાઈનાન્શિયલ સેક્ટરમાં મોટાપાયે બદલાવ જોવા મળ્યો હતો. બેન્કે સ્પર્ધાત્મક બજાર અને નિયમનકારી પરિવર્તનો વચ્ચે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું હતું. હજુ સુધી નવા CEO માટે કોઈ નામ પર ચર્ચા થઈ નથી, પરંતુ બોર્ડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે યોગ્ય ઉમેદવાર સમયસર પસંદ કરવામાં આવશે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પૂર્ણ કર્યું

અશોક વાસવાણી અગાઉ સિટી ગ્રુપમાં લગભગ ત્રણ દાયકાથી વધુ સમય સુધી કાર્યરત રહ્યા છે. તેઓ બાર્કલેઝમાં પણ મહત્વપૂર્ણ પદ પર રહી ચૂક્યા છે, જ્યાં તેઓ ગ્લોબલ કન્ઝ્યુમર, પ્રાઈવેટ, કોર્પોરેટ અને પેમેન્ટ બિઝનેસના CEO તરીકે કાર્યરત હતા. તેઓ ગ્રુપ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય પણ હતા. તેમણે મુંબઈની યુનિવર્સિટી હેઠળ સિડનહેમ કોલેજમાંથી કોમર્સમાં અભ્યાસ કર્યો છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પૂર્ણ કર્યું છે. તેઓ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી પણ છે.

આ પણ વાંચો : Tata Groupનો જલવો યથાવત, FY26માં અંદાજે 32,000 કરોડનો કર્યો નફો