ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે નાણાકીય વર્ષ 2025-26 (FY26) દરમિયાન નોંધપાત્ર પ્રદર્શન કરીને અંદાજે ₹32,000 કરોડનો નેટ નફો નોંધાવ્યો છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ભૂરાજકીય પડકારો વચ્ચે કંપનીએ મજબૂત વાપસી કરી છે. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક લગભગ ₹42,000 કરોડ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.


ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સની આશરે 66 ટકા ભાગીદારી

કંપનીના મજબૂત નાણાકીય પરિણામોના આધારે મુખ્ય શેરહોલ્ડર ટાટા ટ્રસ્ટ્સને આપવામાં આવતું ડિવિડન્ડ પણ બમણું કરીને ₹3,000 કરોડથી વધુ કરવામાં આવ્યું છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સની આશરે 66 ટકા ભાગીદારી છે. ગયા નાણાકીય વર્ષ (FY25)માં કંપનીનો નફો ઘટીને ₹26,231 કરોડ રહ્યો હતો અને આવકમાં પણ ઘટાડો નોંધાયો હતો, પરંતુ FY26માં કંપનીએ નોંધપાત્ર સુધારો કર્યો છે.

ગ્રુપની અગ્રણી કંપનીઓનું મજબૂત યોગદાન

ટાટા સન્સની સફળતા પાછળ ગ્રુપની અનેક અગ્રણી કંપનીઓનું મજબૂત યોગદાન રહ્યું છે. TCS, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કેપિટલ, ટાટા કન્ઝ્યુમર, ટાઈટન, ટાટા સ્ટીલ અને ઈન્ડિયન હોટેલ્સ (IHCL) જેવી કંપનીઓએ સારા પરિણામો આપતાં ટાટા સન્સને અંદાજે ₹32,500 કરોડનું ડિવિડન્ડ મળ્યું છે.

એર ઈન્ડિયાનું નુકસાન પણ ધીમે ધીમે ઘટ્યું

આ ઉપરાંત ટાટા ઈલેક્ટ્રોનિક્સ, ટાટા ડિજિટલ અને ક્રોમા જેવા નવા વ્યવસાયો પણ ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એર ઈન્ડિયાનું નુકસાન પણ ધીમે ધીમે ઘટી રહ્યું છે, જે કંપની માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો છતાં ભારત મજબૂત અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. તેમના મતે શ્રેષ્ઠ અમલીકરણ, ટીમવર્ક અને સાહસિક નિર્ણયો જ અનિશ્ચિત સમયમાં સફળતાની ચાવી સાબિત થાય છે.

આ પણ વાંચો : Gold Silver Price Today: શનિવારે કેટલા બદલાયા સોના ચાંદીના ભાવ, જાણો 10 ગ્રામનો રેટ


  • Follow us on: