કેપી ગ્રુપે તાજેતરમાં આયોજિત ઇન્વેસ્ટર ડે નિમિત્તે પોતાનું નવું અને મહત્વાકાંક્ષી "KP 3.0" વિઝન રજૂ કર્યું છે, જે કંપનીના વિકાસને નવી દિશા આપશે. ગ્રુપે FY32 માટેની નવી પ્રતિબદ્ધતાઓ જાહેર કરતા 10 GW પોતાની માલિકીની વીજ ઉત્પાદન ક્ષમતા (IPP), 10 GW થર્ડ-પાર્ટી EPC એક્ઝિક્યુશન અને 10 GWh ઇન્ટિગ્રેટેડ બેટરી એસેમ્બલી તથા સેલ મેન્યુફેક્ચરિંગનું મોટું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. કેપી ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન-એમડી ડૉ. ફારુક જી. પટેલે જણાવ્યું હતું કે ગ્રુપ હંમેશાં તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવા માટે જાણીતું છે અને આ નવા લક્ષ્યો પણ સમય પહેલાં હાંસલ કરવામાં આવશે.
વ્યુહાત્મક અધિગ્રહણો અને 10.2 GW સુધી પહોંચતો શાનદાર પોર્ટફોલિયો
કેપી ગ્રુપે પોતાના વિકાસને વેગ આપવા માટે સાઉદી અરેબિયાના અલફનાર ગ્રુપની ભારતીય પેટા કંપનીઓ સાથે બાઈન્ડિંગ ઓફર કરી છે, જેના દ્વારા ગુજરાતના કચ્છમાં કાર્યરત 507.9 MW વિન્ડ એનર્જી એસેટ્સનું અંદાજે ₹2,410 કરોડમાં અધિગ્રહણ થશે. આ ઉપરાંત સન ડ્રોપ એનર્જીયા દ્વારા ડેક એન્ડ મારવિક્સ ગ્રીન એનર્જીમાં 100% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ નવા અધિગ્રહણો સાથે કેપી ગ્રુપનો કુલ રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો વધીને 10.2 GW સુધી પહોંચી ગયો છે, જે ગુજરાતથી લઈને વિદેશો સુધી વિસ્તરેલો છે.
