રોજિંદા જીવનમાં ટોયલેટ ફ્લશનો અવાજ સામાન્ય બાબત બની ગયો છે. પરંતુ રાત્રે ઘરના સભ્યો સૂતા હોય ત્યારે આ અવાજ પરેશાનીનું કારણ બની શકે છે. સોમની બાથવેરે આ જ મુદ્દાને પોતાની નવી જાહેરાતનો વિષય બનાવ્યો છે. કંપનીએ પોતાની ‘ક્વાયટ સ્વર્લ’ ઝુંબેશમાં રામાયણના કુંભકર્ણને સામેલ કર્યો છે. પોતાની લાંબી ઊંઘ માટે જાણીતા કુંભકર્ણને ટોયલેટ ફ્લશના અવાજથી પરેશાન થતા બતાવીને કંપનીએ લોકોને શાંત ફ્લશનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

કુંભકર્ણને કેમ બનાવ્યો જાહેરાતનો ચહેરો?

સોમનીની આ ઝુંબેશનો મુખ્ય વિચાર એક સામાન્ય સમસ્યા પર આધારિત છે. લોકો બાથરૂમ માટે ટોયલેટ ખરીદતી વખતે તેની ડિઝાઇન, દેખાવ, રંગ, સફાઈ અને ગુણવત્તા પર ધ્યાન આપે છે. પરંતુ ફ્લશ કરતી વખતે કેટલો અવાજ થાય છે તે બાબત ભાગ્યે જ ધ્યાનમાં લે છે. રાત્રે પરિવારના સભ્યો સૂતા હોય, વહેલી સવારે કોઈ બાથરૂમનો ઉપયોગ કરે અથવા ઘરમાં નાનું બાળક સૂતું હોય ત્યારે ફ્લશનો અવાજ ખલેલ પહોંચાડી શકે છે. કંપનીએ આ સમસ્યાને રમૂજી રીતે રજૂ કરવા માટે કુંભકર્ણનું પાત્ર પસંદ કર્યું છે. જાહેરાતમાં કુંભકર્ણને આધુનિક બાથરૂમ સાથે જોડવામાં આવ્યો છે. તેની લાંબી ઊંઘ અને ફ્લશના અવાજ વચ્ચેની રમૂજી પરિસ્થિતિ દ્વારા સોમનીએ પોતાની નવી પ્રોડક્ટનો ફાયદો સમજાવ્યો છે.

લખનઉમાં લગાવ્યું કુંભકર્ણનું વિશાળ હોર્ડિંગ

સોમનીએ માત્ર ડિજિટલ જાહેરાત સુધી પોતાની ઝુંબેશ મર્યાદિત રાખી નથી. કંપનીએ લખનઉમાં એક વિશાળ આઉટડોર હોર્ડિંગ પણ લગાવ્યું છે. તેમાં કુંભકર્ણને હોર્ડિંગની ઉપર સૂતો દર્શાવવામાં આવ્યો છે. આ હોર્ડિંગ પર હિન્દીમાં લખવામાં આવ્યું છે, ‘इनकी नींद को हमारी तरफ़ से शुभरात्रि’. એટલે કે, તેમની ઊંઘને અમારી તરફથી શુભરાત્રિ. કુંભકર્ણની ઊંઘ સાથે જોડાયેલી આ જાણીતી વાતને કંપનીએ પોતાના ઉત્પાદનના ફાયદા સાથે જોડી છે. ડિજિટલ જાહેરાતમાં રમૂજ દ્વારા રજૂ કરાયેલો વિચાર હવે રસ્તાઓ પર પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

શું છે સોમનીની ક્વાયટ સ્વર્લ ટેક્નોલોજી?

આ ઝુંબેશ પાછળ સોમનીની ‘ક્વાયટ સ્વર્લ વોલ હંગ’ ટોયલેટ શ્રેણી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ટોયલેટ ફ્લશ કરતી વખતે ઓછો અવાજ કરે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીમાં શાંત ફ્લશ સાથે 360 ડિગ્રી સફાઈની સુવિધા આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે પાણીનો પ્રવાહ ટોયલેટની અંદર ચારે તરફ પહોંચે છે, જેથી અસરકારક સફાઈ થઈ શકે છે.

સામાન્ય રીતે ગ્રાહકો માટે ફ્લશની શક્તિ અને સફાઈ મહત્ત્વની હોય છે. પરંતુ સોમની આ બંને બાબતોની સાથે અવાજ ઘટાડવા પર પણ ધ્યાન આપી રહી છે. કંપનીનો ઉદ્દેશ શાંતિ અને સફાઈ બંનેનો અનુભવ એકસાથે આપવાનો છે.

સોમનીના વડાએ શું કહ્યું?

સોમની બાથવેરના વડા શ્રીવત્સ સોમનીએ જણાવ્યું હતું કે કંપની માને છે કે નવીનતાનો અર્થ રોજિંદા જીવનના અનુભવોને વધુ સારા બનાવવાનો છે. ઘણી વખત ગ્રાહકો એવી બાબતો વિશે વિચારતા નથી, જે તેમના રોજિંદા જીવનમાં મોટો તફાવત લાવી શકે છે. તેમણે જણાવ્યું કે ક્વાયટ સ્વર્લ દ્વારા કંપની ઓછા અવાજવાળું ફ્લશ અને શક્તિશાળી 360 ડિગ્રી સફાઈ એકસાથે આપી રહી છે. એટલે કે, શાંતિ અને સારી સફાઈ બંને એકસાથે શક્ય છે.

જાહેરાતમાં પૌરાણિક પાત્રનો આધુનિક ઉપયોગ

સોમનીની આ ઝુંબેશની ખાસિયત એ છે કે કંપનીએ ટેક્નિકલ માહિતીથી ભરેલી સામાન્ય જાહેરાત બનાવવાને બદલે કુંભકર્ણ જેવા જાણીતા પાત્રનો ઉપયોગ કર્યો છે. કુંભકર્ણની ઊંઘ વિશે લગભગ દરેક વ્યક્તિ જાણે છે. તેથી આ પાત્ર દ્વારા ફ્લશના અવાજની સમસ્યા સમજાવવી સરળ બની છે. એક તરફ જાહેરાત લોકોને હસાવે છે તો બીજી તરફ બાથરૂમની સુવિધામાં અવાજનું મહત્ત્વ પણ સમજાવે છે.

આ રીતે સોમનીએ રોજિંદા જીવનની એક નાની સમસ્યાને પોતાની પ્રોડક્ટની વિશેષતા સાથે જોડીને માર્કેટિંગની નવી રીત અપનાવી છે.

આ પણ વાંચો: IndiGo Airlines: મુસાફર 1 મિનિટ મોડો પડ્યો તો એન્ટ્રી બંધ કરી, પણ ફ્લાઇટ 13 મિનિટ વહેલી ઊપડી ગઈ! ઇન્ડિગોના આ કેવા નિયમો?