શેરબજારમાં રોકાણ કરીને નફો કમાવાની તક શોધી રહેલા રોકાણકારો માટે કુસુમગર કંપનીનો IPO ટૂંક સમયમાં ખુલવા જઈ રહ્યો છે. ઈજનેર્ડ ફેબ્રિક બનાવતી આ અગ્રણી કંપનીનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) 8 જુલાઈથી સબ્સક્રિપ્શન માટે ખુલશે અને રોકાણકારો 10 જુલાઈ સુધી તેમાં અરજી કરી શકશે.

કેટલું રોકાણ કરવું પડશે?

કંપનીના IPOમાં શેરનું પ્રાઈસ બેન્ડ ₹398થી ₹419 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. એક લોટમાં 35 શેર સામેલ છે, એટલે કે રિટેલ રોકાણકારને એક લોટ માટે ઓછામાં ઓછું ₹14,665નું રોકાણ કરવું પડશે. IPOમાં સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં 14 જુલાઈએ શેર જમા થશે, જ્યારે કંપનીના શેર 15 જુલાઈએ BSE અને NSE પર લિસ્ટ થવાની સંભાવના છે.

ગ્રે માર્કેટમાં શેર પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે 

કુસુમગરનો આ ₹650 કરોડનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. એટલે કે કંપની નવા ભંડોળ એકત્ર કરી રહી નથી, પરંતુ હાલના પ્રમોટર્સ પોતાની ભાગીદારીના શેર વેચી રહ્યા છે. IPOથી મળનારી રકમ સીધી શેર વેચનારા પ્રમોટર્સને મળશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 7 જુલાઈ સુધી શેર લગભગ ₹166ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જો આ સ્થિતિ લિસ્ટિંગ સુધી યથાવત રહે તો શેર અંદાજે 39 ટકાના પ્રીમિયમ સાથે બજારમાં પ્રવેશી શકે છે. આ મુજબ એક લોટ પર રોકાણકારોને આશરે ₹5,810 સુધીનો નફો મળી શકે છે. જોકે ગ્રે માર્કેટ પ્રીમિયમ માત્ર એક અંદાજ છે અને તેમાં બજારની સ્થિતિ પ્રમાણે ફેરફાર થઈ શકે છે.

શું કરે છે કંપની?

કુસુમગર ઉચ્ચ ગુણવત્તાવાળા ઈજનેર્ડ ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. કંપનીના ઉત્પાદનો એરોસ્પેસ, ડિફેન્સ, ઓટોમોબાઈલ, ઈન્ડસ્ટ્રિયલ, આઉટડોર અને લાઈફસ્ટાઈલ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે. કંપનીનો મજબૂત ગ્રાહક આધાર તેને બજારમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવે છે.

આ પણ વાંચો : Defense Production : રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતને વેગ, ઉત્પાદન રૂપિયા 1.78 લાખ કરોડને પાર

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.