કેન્દ્ર સરકારે લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં પોતાની 6.5 ટકા સુધીની હિસ્સેદારી ઓફર ફોર સેલ (OFS) મારફતે વેચવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રક્રિયા સરકારના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમનો ભાગ છે. સરકારે OFS માટે પ્રતિ શેર ₹382નો ફ્લોર પ્રાઈસ નક્કી કર્યો છે, જે સોમવારે LICના બંધ ભાવ ₹424.35 કરતાં અંદાજે 11 ટકા ઓછો છે.
8 ઓગસ્ટ સુધી ટ્રેડિંગ વિન્ડો બંધ રહેશે
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 2.5 ટકા હિસ્સો વેચવામાં આવશે. જો રોકાણકારો તરફથી વધુ માગ આવશે તો 4 ટકાનો ગ્રીનશૂ વિકલ્પ પણ અમલમાં મૂકવામાં આવશે. આ રીતે કુલ 6.5 ટકા સુધીની હિસ્સેદારી વેચી શકાય છે. OFS 4 ઓગસ્ટે બિન-રિટેલ (Non-Retail) રોકાણકારો માટે ખુલશે, જ્યારે રિટેલ રોકાણકારો 5 ઓગસ્ટે તેમાં ભાગ લઈ શકશે. LICએ આ દરમિયાન કંપનીની ટ્રેડિંગ વિન્ડો 8 ઓગસ્ટ, 2026 સુધી બંધ રાખવાની માહિતી પણ આપી છે.
