મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 'ઉદ્યોગિની યોજના' ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓને નાનો વ્યવસાય શરૂ કરવા અથવા તેમના હાલના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓ કોઈપણ મિલકત ગીરો મૂક્યા વગર અથવા ગેરંટર વગર ₹૩ લાખ સુધીની આકર્ષક લોન મેળવી શકે છે.

ખાસ કરીને આ મહિલાઓ માટે વરદાન રૂપ

આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે જેઓ સીવણકામ, ખાદ્ય ઉત્પાદન, હસ્તકલા, બ્યુટી પાર્લર કે નાની છૂટક દુકાન જેવા વ્યવસાયો શરૂ કરવા માંગે છે. આ યોજનાના મુખ્ય લાભો અને શરતો નીચે મુજબ છે:

લોન અને સબસિડી: આ યોજના હેઠળ મહત્તમ ₹3 લાખ સુધીની લોન આપવામાં આવે છે. સામાન્ય શ્રેણીની મહિલાઓને લોન પર ૩૦% સુધીની સબસિડી મળે છે, જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની મહિલાઓ માટે સબસિડીનું પ્રમાણ ૫૦% સુધી હોઈ શકે છે. આ ઉપરાંત, વિધવા, દિવ્યાંગ અને નિરાધાર મહિલાઓ માટે વ્યાજ દરમાં વિશેષ રાહતો પણ ઉપલબ્ધ છે.

પાત્રતાના માપદંડો: આ યોજનાનો લાભ ફક્ત મહિલા અરજદારો જ મેળવી શકે છે. અરજદાર મહિલાની ઉંમર ૧૮ થી ૫૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેના પરિવારની વાર્ષિક આવક ₹૧.૫૦ લાખથી વધુ હોવી જોઈએ નહીં. અગાઉનો ક્રેડિટ રેકોર્ડ સારો હોવો અનિવાર્ય છે.

જરૂરી દસ્તાવેજો: અરજી કરવા માટે ઓળખ કાર્ડ (જેમ કે મતદાર આઈડી કે અન્ય માન્ય પુરાવો), આવકનું પ્રમાણપત્ર, પાસપોર્ટ કદનો ફોટો અને વ્યવસાયનો એક સામાન્ય પ્રોજેક્ટ રિપોર્ટ જરૂરી બને છે.

અરજી પ્રક્રિયા: મહિલાઓ તેમની નજીકની સરકારી બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંક કે સહકારી બેંકનો સંપર્ક કરીને અરજી ફોર્મ મેળવીને જમા કરાવી શકે છે. વધુમાં, ઉમંગ એપ કે માયસ્કીમ પોર્ટલ દ્વારા પણ આ યોજના સંબંધિત જરૂરી માહિતી મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ Food Divorce એટલે શું? આધુનિક યુગલોમાં કેમ લોકપ્રિય થઈ રહ્યો છે આ ટ્રેન્ડ