કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે PM નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વ હેઠળ ભારતના વેપાર ક્ષેત્રમાં ઐતિહાસિક અને ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યું છે. એક તરફ દેશનું આંતરિક વેપાર પહેલાં કરતાં વધુ મજબૂત બન્યું છે, તો બીજી તરફ વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનો માટે નવા-નવા અવસર ઊભા થઈ રહ્યા છે. આ બદલાવના કારણે ભારતની અર્થવ્યવસ્થા નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહી છે.

CAITના રાષ્ટ્રીય મહામંત્રી

પીયૂષ ગોયલે આ વાત વાણિજ્ય ભવનમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના પ્રતિનિધિમંડળ સાથે થયેલી બેઠક દરમિયાન કહી હતી. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચાંદની ચોકના સાંસદ અને CAITના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ કરી રહ્યા હતા.

“ભારતીય વેપાર મહોત્સવ”

પીયૂષ ગોયલે જણાવ્યું કે PM મોદીના “ભારતીય વસ્તુઓ ખરીદો અને વેચો”ના આહ્વાનને લોકો સુધી પહોંચાડવા માટે CAIT દ્વારા 1 થી 4 મે દરમિયાન નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ (પ્રગતિ મેદાન) ખાતે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો “ભારતીય વેપાર મહોત્સવ” યોજાઈ રહ્યો છે. તેમણે આ મહોત્સવને ઐતિહાસિક પહેલ ગણાવી અને કહ્યું કે આ કાર્યક્રમ ભારતના વેપાર, ઉદ્યોગ અને સેવાઓની શક્તિને દેશ સાથે દુનિયા સામે અસરકારક રીતે રજૂ કરશે. પીયૂષ ગોયલે વધુમાં જણાવ્યું કે, આ મહાકુંભને સફળ બનાવવા માટે પોતાના મંત્રાલય તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી. તેમણે ઉમેર્યું કે આ પ્રકારના આયોજનો દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઉલ્લેખનીય છે કે 25 નવેમ્બરે નવી દિલ્હીમાં યોજાયેલી CAITની નેશનલ ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં કેન્દ્રિય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આવા ભવ્ય આયોજનનો સૂચન આપ્યું હતું.

 B2C નેટવર્કિંગ દ્વારા પ્રોત્સાહન

બેઠક દરમિયાન સ્વદેશી ઉત્પાદનો, MSME, સ્ટાર્ટઅપ્સ અને કારીગરોને ડિજિટલ પેમેન્ટ, વિશાળ બજાર પહોંચ અને મજબૂત B2B તથા B2C નેટવર્કિંગ દ્વારા પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થઈ. પીયૂષ ગોયલે કહ્યું કે આ પ્રયાસો “મેક ઇન ઇન્ડિયા” અને “લોકલ ટુ ગ્લોબલ” વિઝનને વધુ મજબૂત બનાવશે અને ભારતની ઉત્પાદન ક્ષમતા તથા નવીનતાને વૈશ્વિક મંચ પર સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. તેમણે ખાસ કરીને દૂરદરાજ વિસ્તારોમાં સ્વદેશી ઉત્પાદનો બનાવતા ઉદ્યોગકારોને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

 દેશભરમાંથી અંદાજે 2200 સ્ટોલ્સ

પ્રવીણ ખંડેલવાલે માહિતી આપતાં જણાવ્યું કે ચાર દિવસીય આ ભવ્ય મહોત્સવમાં દેશભરમાંથી અંદાજે 2200 સ્ટોલ્સ દ્વારા માત્ર ભારતીય ઉત્પાદનો અને વિવિધ સેવાઓનું પ્રદર્શન થશે. દેશના તમામ રાજ્યોમાંથી લગભગ 10 લાખ દર્શકો આવવાની શક્યતા છે, જેમાં આશરે 2 લાખ બિઝનેસ વિઝિટર્સ સામેલ રહેશે.

 વેપારીઓને નવા અવસર

આ મહોત્સવ આધુનિક ટેકનોલોજીથી સજ્જ રહેશે. અલગ-અલગ ઉત્પાદનો માટે અલગ પેવેલિયન બનાવવામાં આવશે જેથી વેપારીઓને નવા અવસર શોધવામાં સરળતા રહે. ડિજિટલ કિયોસ્ક, ખાસ મોબાઇલ એપ દ્વારા AI અસિસ્ટન્ટ, પ્રગતિ મેદાનનો ડિજિટલ મેપ અને QR કોડ આધારિત એન્ટ્રી સિસ્ટમ આ મહોત્સવને અત્યાર સુધીની સૌથી આધુનિક પ્રદર્શની બનાવશે. આ મહોત્સવમાં માત્ર ભારતીય ઉત્પાદનો અને સેવાઓનું જ પ્રદર્શન થશે, જે સ્વદેશી ભાવનાને નવી ઊર્જા આપશે અને ભારતના વેપાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : nuclear weapons lifespan : શું પરમાણુ શસ્ત્રોની સમાપ્તિ તારીખ હોય છે? વધતા વૈશ્વિક તણાવ વચ્ચે મોટો સવાલ