વર્તમાન સમયમાં એલપીજી (LPG) સિલિન્ડરના બુકિંગ અને તેની ડિલિવરીને લઈને ગ્રાહકોમાં ઘણી ફરિયાદો જોવા મળી રહી છે. ઘણા વિસ્તારોમાં સિલિન્ડર ઘરે પહોંચવામાં અગાઉ કરતા વધુ સમય લાગી રહ્યો છે. જોકે સરકાર સ્પષ્ટતા કરી રહી છે કે દેશમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેમ છતાં વિતરણ વ્યવસ્થામાં થતા વિલંબને કારણે ગ્રાહકો પરેશાન છે. આ સમસ્યાના ઉકેલ તરીકે સરકારે 'છોટુ' ગેસ સિલિન્ડર સેવા રજૂ કરી છે, જે મિનિટોમાં ગેસ મેળવવાની સુવિધા આપે છે.
શું છે આ 'છોટુ' સિલિન્ડર?
'છોટુ' એ ઈન્ડિયન ઓઈલ જેવી સરકારી કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલો 5 કિલોગ્રામનો નાનો એલપીજી સિલિન્ડર છે. આ સિલિન્ડર ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેમને તાત્કાલિક ગેસની જરૂર હોય અથવા જેઓ મોટું કનેક્શન લેવાની સ્થિતિમાં ન હોય. આ સિલિન્ડર ફ્રી ટ્રેડ એલપીજી (FTL) શ્રેણીમાં આવે છે, જેનો અર્થ છે કે તેને ખરીદવા કે રિફિલ કરવા માટે કોઈ જટિલ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી.
મેળવવાની રીત અને જરૂરી દસ્તાવેજો
આ સિલિન્ડરની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને મેળવવા માટે તમારે ગેસ એજન્સીના ધક્કા ખાવાની કે નવું કનેક્શન લેવાની જરૂર નથી. તમે તમારા નજીકના પેટ્રોલ પંપ, કરિયાણાની દુકાન અથવા ગેસ એજન્સી પર જઈને માત્ર તમારું આધાર કાર્ડ બતાવીને આ સિલિન્ડર તાત્કાલિક ખરીદી શકો છો. આ માટે કોઈ એડ્રેસ પ્રૂફ કે લાંબી કાગળની કાર્યવાહીની જરૂર રહેતી નથી. એકવાર ખરીદ્યા પછી, તમે તેને કોઈપણ અધિકૃત ગેસ એજન્સી પર જઈને રિફિલ કરાવી શકો છો.
કોના માટે સૌથી વધુ ફાયદાકારક?
આ સેવા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે જેઓ બીજા શહેરમાં ભણવા માટે એકલા રહે છે. તે સિવાય સ્થળાંતરિત કામદારો કે જેમના રહેઠાણના પુરાવા વારંવાર બદલાતા હોય છે, તેમના માટે પણ આ ઉત્તમ વિકલ્પ છે. મધ્યમ વર્ગના પરિવારો આ સિલિન્ડરને 'બેકઅપ' તરીકે રાખી શકે છે. જ્યારે મોટો સિલિન્ડર અચાનક ખાલી થઈ જાય અને નવા સિલિન્ડરની ડિલિવરીમાં વાર હોય, ત્યારે આ છોટુ સિલિન્ડર રસોડાની કામગીરી અટકવા દેતું નથી.
આ પણ વાંચોઃ Afghanistan ના પ્રવાસીઓને લઇને જઇ રહેલી બોટ તુર્કીએના તટ પર પલટી, 19 લોકોના મોત