તુર્કીએના દરિયાકાંઠે બોટ પલટી જવાના સમાચાર સામે આવી રહ્યા છે. એજિયન સમુદ્રમાં અફઘાન સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક હોડી પલટી જતાં અત્યાર સુધીમાં 19 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક નિર્દોષ બાળકનો પણ જીવ ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર જીવના જોખમે વિદેશ સ્થળાંતર કરતા લોકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
કોસ્ટ ગાર્ડની પકડથી બચવા માટે બોટ ફાસ્ટ હંકારી
તુર્કીના સત્તાવાર અહેવાલો અનુસાર, આ દુર્ઘટના તુર્કીના પ્રખ્યાત પર્યટન સ્થળ બોડ્રમના દરિયાકાંઠા નજીક બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બોટમાં ક્ષમતા કરતા વધુ શરણાર્થીઓ સવાર હતા. તુર્કી કોસ્ટ ગાર્ડ દ્વારા બોટને રોકવા માટે વારંવાર ચેતવણીઓ આપવામાં આવી હતી, પરંતુ બોટના ચાલકે તે સૂચનાઓને અવગણી હતી. કોસ્ટ ગાર્ડની પકડમાંથી બચવા માટે બોટને ખૂબ જ તેજ ગતિએ હંકારવામાં આવી હતી, જેના કારણે સંતુલન બગડ્યું અને બોટ મધદરિયે પલટી ગઈ.
તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાઇ
દુર્ઘટનાની જાણ થતાં જ તુર્કી કોસ્ટ ગાર્ડ કમાન્ડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઇઝમીર શહેરથી ખાસ હેલિકોપ્ટર અને બચાવ દળની ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. બચાવકર્તાઓએ ૨૧ લોકોને દરિયાના મોજાંમાંથી જીવતા બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જોકે, સ્થળ પરથી 18 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને એક ગંભીર રીતે ઘવાયેલા શરણાર્થીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, આમ કુલ મૃત્યુઆંક 19 પર પહોંચ્યો છે.
હજુ પણ શોધખોળ ચાલુ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, હોડીમાં સવાર અન્ય કેટલાક લોકો હજુ પણ ગુમ હોવાની આશંકા છે. બચાવ ટીમો દ્વારા સમુદ્રમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જેથી ગુમ થયેલા લોકોને શોધી શકાય. બચાવી લેવામાં આવેલા 20 થી વધુ પ્રવાસીઓને નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ UPI : ડિજિટલ ઇન્ડિયાનો દબદબો, એક જ વર્ષમાં UPI દ્વારા 300 લાખ કરોડથી વધુના વ્યવહારોનો રેકોર્ડ