જુલાઈ મહિનાની શરૂઆત સામાન્ય જનતા અને ખાસ કરીને વેપારી વર્ગ માટે ખૂબ જ રાહતભરી રહી છે. સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ મહિનાના પહેલા જ દિવસે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટો કાપ મૂક્યો છે. આ કિંમતોમાં ઘટાડો 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. નવા દરો મુજબ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 183નો જંગી ઘટાડો કરવામાં આવ્યો છે. વર્ષ 2026માં આ પ્રથમ વખત છે જ્યારે તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આટલો મોટો ઘટાડો કર્યો છે.


દિલ્હીમાં હવે આ ભાવે મળશે સિલિન્ડર

ભાવમાં કરાયેલા આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોવાળો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર જે પહેલા 3,113 રૂપિયામાં મળતો હતો, તે હવે સસ્તો થઈને 2,930 રૂપિયાનો થઈ ગયો છે. દિલ્હીની જેમ જ મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા અન્ય મહાનગરોમાં પણ વેપારીઓને આ ઘટાડાનો સીધો લાભ મળશે. હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના ખાણી-પીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ નિર્ણય મોંઘવારીના મોરચે બૂસ્ટર સાબિત થશે.

ઘરગથ્થુ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત

એક તરફ જ્યાં કોમર્શિયલ સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે, ત્યાં બીજી તરફ ઘરની રસોઈ ચલાવતી ગૃહિણીઓને આ વખતે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. દર વખતની જેમ આ મહિને પણ 14.2 કિલોગ્રામવાળા ઘરગથ્થુ (ડોમેસ્ટિક) એલપીજી સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.

ભાવ ઘટાડા પાછળનું કારણ

તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના દરોની સમીક્ષા કરે છે. વિતેલા કેટલાક સમયથી મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલા રાજકીય તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત અને ઝડપી વધારો ઝીંકવામાં આવી રહ્યો હતો. જોકે, હવે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ થોડી થાળે પડતાં અને ક્રૂડ તેમજ ગેસની કિંમતો નિયંત્રણમાં આવતા તેલ કંપનીઓએ સામાન્ય ગ્રાહકોને આ રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જુલાઈ મહિનાના પ્રારંભે મળેલી આ રાહતથી બજારમાં અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ હકારાત્મક અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો:PoK Protests:પાકિસ્તાન સરકારે જેમના પર 1 કરોડનું ઇનામ રાખ્યું હતું તે JAAC ચીફ શૌકત નવાઝ મીરની ધરપકડ

  • Follow us on: