પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK) માં પરિસ્થિતિ ફરી એકવાર અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. પાકિસ્તાન સરકાર દ્વારા તાજેતરમાં જ પ્રતિબંધિત કરાયેલા સંગઠન 'જમ્મુ કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટી' (JAAC) ના પ્રમુખ શૌકત નવાઝ મીરની મંગળવારે ધીરકોટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ સમગ્ર PoK માં આક્રોશ ફાટી નીકળ્યો છે અને પ્રદર્શનો વધુ ઉગ્ર બનવાની આશંકા સેવાઈ રહી છે.
1 કરોડનું ઇનામ જાહેર કરાયું હતું
મળતી માહિતી મુજબ, શૌકત નવાઝ મીર અને તેમના સાથીઓની ધરપકડ કરવા અથવા તેમની બાતમી આપનાર માટે પાકિસ્તાન સરકારે 1 કરોડ રૂપિયાના મોટો ઇનામની જાહેરાત કરી હતી. ઇન્ટેલિજન્સ અહેવાલોના આધારે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ધીરકોટના બહારી વિસ્તાર સંગર ફત્તારેથી મીર અને તેમના સાથી સૈબ જાવેદ તેમજ રાજા સાહિબની ધરપકડ કરી લીધી છે. મુઝફ્ફરાબાદના ડેપ્યુટી કમિશનર મુનીર કુરેશીએ આ ધરપકડની પુષ્ટિ કરી છે.
ધરપકડ પાછળનું કારણ અને હિંસા
તાજેતરના સપ્તાહોમાં PoK ના અલગ-અલગ જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે ભારે હિંસક અથડામણો થઈ હતી. રાવલાકોટમાં કમ્બાઈન્ડ મિલિટરી હોસ્પિટલની બહાર JAAC દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા. પોલીસનો આરોપ છે કે સંગઠનના હથિયારધારી સભ્યોએ સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં 4 જવાનોના મોત થયા હતા અને 20 થી વધુ ઘાયલ થયા હતા. આ હિંસા બાદ પાકિસ્તાન સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ટાંકીને JAAC પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, JAAC એ આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે સુરક્ષાદળોની ફાયરિંગમાં 7 સામાન્ય નાગરિકોના મોત થયા હતા.
'અવાજ દબાવી શકાશે, સંકલ્પ નહીં'
શૌકત નવાઝ મીરની ધરપકડ બાદ પણ સંગઠન ઝૂકવા તૈયાર નથી. JAAC દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "એક અવાજને દબાવી શકાય છે, પરંતુ જનતાના સંકલ્પને નહીં. આ આંદોલન કોઈ એક વ્યક્તિનું નથી પરંતુ સમગ્ર આવામ (જનતા) નું છે." સંગઠને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણા અને વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
શું છે મુખ્ય માંગણીઓ?
PoK માં પ્રદર્શનકારીઓ રાજકીય નેતાઓના વિશેષ અધિકારો નાબૂદ કરવા, ચૂંટણી પ્રણાલીમાં વ્યાપક સુધારા કરવા, શરણાર્થીઓ માટે આરક્ષિત બેઠકોની વહેંચણીમાં ફેરફાર કરવા અને સરકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે. આગામી 27 જુલાઈએ આઝાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, તે પૂર્વે જ આ મોટા નેતાની ધરપકડ થતાં પાકિસ્તાન સરકાર અને સ્થાનિક જનતા વચ્ચેનો ગતિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે.
આ પણ વાંચો:Donald Trumpનો બર્થરાઈટ સિટિઝનશિપ પર પ્રતિબંધનો પ્રયાસ નિષ્ફળ, શું કહ્યું સુપ્રીમ કોર્ટે?