પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ઇસ્લામાબાદની પાકિસ્તાન સરકાર અને સૈન્ય સામે જનઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ પ્રદેશમાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શનો સતત તીવ્ર બની રહ્યા છે. સ્થાનિક જનતા મોંઘવારી, લોટની અછત, વીજળીના આસમાને આંબતા દરો અને રાજકીય અધિકારોના દમન સામે રસ્તા પર ઉતરી આવી છે. સંયુક્ત અવામી એક્શન કમિટી (JAAC) ના નેતૃત્વમાં ચાલી રહેલા આ આંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાન સરકારે હવે ક્રૂર રસ્તો અપનાવ્યો હોવાના અહેવાલો છે.


આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય રોકી 

સ્થાનિક સંગઠનો અને આંદોલનકારીઓનો આરોપ છે કે ઇસ્લામાબાદ સરકારે વિરોધ પ્રદર્શનોને નબળા પાડવા માટે PoK માં આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય રોકી દીધો છે. પ્રદેશમાં લોટ, ઇંધણ, શાકભાજી અને જરૂરી દવાઓની ભારે અછત સર્જાઈ છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા નાકાબંધી કરીને પુરવઠો લઈ જતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે, જેના કારણે પ્રદેશમાં ગંભીર માનવીય સંકટ ઊભું થયું છે.

પાકિસ્તાન સરકારનું કડક વલણ

આ આંદોલનની શરૂઆત મૂળભૂત સુવિધાઓ અને સબસિડીની માંગ સાથે થઈ હતી, પરંતુ પાકિસ્તાન સરકારના કડક વલણ અને બળપ્રયોગ બાદ હવે તે 'પાકિસ્તાન છોડો' (Quit Pakistan) ના નારાઓ સાથે સંપૂર્ણ રાજકીય બળવામાં પરિવર્તિત થઈ ગયું છે. રાવલાકકોટ, મુઝફ્ફરાબાદ સહિતના અનેક શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો, જેમાં મહિલાઓ અને શાળાના બાળકો પણ સામેલ છે, તે સરકારી પ્રતિબંધો અને કર્ફ્યુને ફગાવીને ધરણા પર બેઠા છે.

પાકિસ્તાન સરકારે સંયુક્ત અવામી એક્શન કમિટી (JAAC) પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધ મૂકી દીધો છે અને તેના મુખ્ય નેતાઓ વિરુદ્ધ દેશદ્રોહના કેસ દાખલ કરીને તેમની ધરપકડ માટે કરોડો રૂપિયાના ઈનામો જાહેર કર્યા છે. આ ઉપરાંત પ્રદેશમાં ઈન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જેથી બહારની દુનિયા સુધી આ દમનની વિગતો ન પહોંચી શકે.

વિશ્લેષકોના મતે, PoK પાકિસ્તાનના રાષ્ટ્રીય ગ્રીડમાં મોટા પાયે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર (વીજળી) નું યોગદાન આપે છે, તેમ છતાં અહીંના લોકોને જ મોંઘી વીજળી વેચવામાં આવે છે. સંસાધનોની આ લૂંટ અને ઇસ્લામાબાદની કઠપૂતળી સરકારની નીતિઓએ સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જન્માવ્યો છે. આ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે અને માનવાધિકાર સંગઠનો આ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો:Mongla Port:બાંગ્લાદેશે ભારત પાસેથી પ્રોજેક્ટ છીનવી ચીનને સોંપ્યો 'મોંગલા પોર્ટ', જાણો કેમ વધી ચિંતા

  • Follow us on: