બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તીસ્તા નદી પ્રોજેક્ટ બાદ હવે બાંગ્લાદેશે તેના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા 'મોંગલા પોર્ટ' (Mongla Port) નજીક ઇકોનોમિક ઝોન વિકસાવવાનો મોટો પ્રોજેક્ટ ભારત પાસેથી છીનવીને ચીનને સોંપી દીધો છે. બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનની ચીનની સત્તાવાર મુલાકાત દરમિયાન બીજિંગમાં ચીનની સરકારી કંપની સાથે આ અંગેના કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ભારત પાસેથી કેવી રીતે સરક્યો પ્રોજેક્ટ?
વર્ષ 2015માં તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મોંગલામાં ઇન્ડિયન ઇકોનોમિક ઝોન સ્થાપવા માટે સમજૂતી થઈ હતી. ભારત આ પ્રોજેક્ટ માટે લાઇન ઓફ ક્રેડિટ આપવાનું હતું અને ભારત સરકારે હિરાનંદાની ગ્રુપને આ જમીન વિકસાવવા માટે પસંદ કર્યું હતું. જોકે, 2024માં શેખ હસીનાની સરકારના પતન બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ભારત પર આક્ષેપ કર્યો કે ભારતીય ડેવલપર નિર્ધારિત બે વર્ષમાં કામ શરૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. પરિણામે, ઓક્ટોબર 2025માં બાંગ્લાદેશે આ પ્રોજેક્ટમાંથી ભારતનું નામ હટાવી દીધું હતું. સંબંધોમાં આવેલી આ ખટાશનો ફાયદો ઉઠાવી ચીને તુરંત જ આ 110 એકર જમીન પર ચાઈનીઝ ઈકોનોમિક ઝોન બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જે હવે ફાઈનલ થઈ ગયો છે.













