દેશની અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)એ જૂન 2026 ત્રિમાસિકમાં મજબૂત નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 14 ટકા વધીને ₹4,123 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીનો નફો ₹3,617 કરોડ હતો. કંપનીનું પ્રદર્શન બજારના અંદાજ કરતાં પણ સારું રહ્યું છે.
https://twitter.com/ANI/status/2082080545400672549
કંપનીની આવક 6.7 ટકા વધીને ₹67,942 કરોડ થઈ
જૂન ત્રિમાસિકમાં L&Tની કન્સોલિડેટેડ આવક 6.7 ટકા વધીને ₹67,942 કરોડ થઈ છે. કંપનીને આ સમયગાળા દરમિયાન નવા ઓર્ડરમાં પણ મોટો વધારો મળ્યો છે. જૂન ત્રિમાસિકમાં L&Tને કુલ ₹1,08,014 કરોડના નવા ઓર્ડર મળ્યા, જે ગયા વર્ષની સરખામણીએ 14 ટકા વધુ છે. આ ઓર્ડરમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગ, ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફશોર વિન્ડ, હેવી એન્જિનિયરિંગ અને મેટલ ક્ષેત્રનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય ઓર્ડરની ભાગીદારી 52 ટકા
કંપનીની કુલ ઓર્ડર બુક હવે વધીને ₹7,78,954 કરોડ થઈ ગઈ છે. તેમાં આંતરરાષ્ટ્રીય ઓર્ડરની ભાગીદારી 52 ટકા છે. ત્રિમાસિક દરમિયાન કંપનીની કુલ આવકમાં વિદેશી બિઝનેસનો ફાળો 51 ટકા રહ્યો છે. જોકે, કંપનીના ઓપરેટિંગ માર્જિન પર થોડું દબાણ જોવા મળ્યું છે. L&Tનો EBITDA 3.2 ટકા ઘટીને ₹6,116 કરોડ રહ્યો છે, જ્યારે EBITDA માર્જિન 9.9 ટકાથી ઘટીને 9 ટકા થયો છે.
ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સથી ફાયદો થયો
ગ્રીન એનર્જી બિઝનેસમાં કંપનીને ₹33,042 કરોડના ઓર્ડર મળ્યા છે, જેમાં 58 ટકાનો વધારો થયો છે. ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સથી ફાયદો થયો છે, જોકે સપ્લાય ચેઇનની સમસ્યાઓના કારણે આવકમાં 11 ટકાનો ઘટાડો થયો છે. કંપનીના ટેકનોલોજી, પ્લેટફોર્મ્સ એન્ડ સર્વિસિસ બિઝનેસની આવક 15 ટકા વધીને ₹14,627 કરોડ થઈ છે. ફાઇનાન્સિયલ સર્વિસિસ બિઝનેસની ઓપરેશનલ આવક પણ 27 ટકા વધીને ₹5,042 કરોડ થઈ છે.
આ પણ વાંચો : Suzlon Q1 Results : કંપનીના નફામાં થયો 6 ટકાનો ઘટાડો, શેરમાં આવ્યો મોટો કડાકો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.