વિન્ડ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની સુઝલોન એનર્જીના જૂન ત્રિમાસિક પરિણામ મિશ્ર રહ્યા છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 6% ઘટીને ₹305 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષે સમાન ત્રિમાસિકમાં ₹324 કરોડ હતો. જોકે, કંપનીની કુલ આવકમાં 22%નો વધારો નોંધાયો છે અને તે ₹3,829 કરોડ પર પહોંચી છે.
ઓપરેટિંગ કામગીરી પર દબાણ
જૂન ત્રિમાસિક દરમિયાન સુઝલોનનો EBITDA ₹595 કરોડ રહ્યો, જે ગયા વર્ષના ₹599 કરોડની સરખામણીએ થોડો ઓછો છે. EBITDA માર્જિન પણ 19%થી ઘટીને 15.5% થયો છે, જે કંપનીની ઓપરેટિંગ કામગીરી પર દબાણ દર્શાવે છે.
કયા વ્યવસાયમાંથી કેટલી આવક?
રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ વિભાગની આવક ₹2,494 કરોડથી વધીને ₹3,174 કરોડ થઈ છે. રિન્યુએબલ એનર્જી એસેટ મેનેજમેન્ટ સર્વિસિસની આવક ₹584 કરોડથી વધીને ₹632 કરોડ થઈ છે. જોકે, ફાઉન્ડ્રી અને ફોર્જિંગ વ્યવસાયની આવક ₹146 કરોડથી ઘટીને ₹126 કરોડ રહી છે.
કંપની પાસે 84% ઓર્ડર સરકારી કંપનીઓના
કંપનીએ જૂન ત્રિમાસિક દરમિયાન 506 મેગાવોટની ડિલિવરી કરી, જે ગયા વર્ષની સરખામણીએ 14% વધુ છે. ઉપરાંત, 269 મેગાવોટનું કમિશનિંગ થયું, જે વાર્ષિક ધોરણે બમણાથી પણ વધુ છે. ત્રિમાસિકના અંતે કંપનીની ઓર્ડર બુક 6.1 ગીગાવોટ (GW) રહી હતી. જેમાંથી 84% ઓર્ડર સરકારી કંપનીઓ તેમજ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ (C&I) સેક્ટરમાંથી મળ્યા છે.
પરિણામ બાદ શેરમાં મોટો ઘટાડો
નબળા પરિણામોની અસર શેરબજારમાં પણ જોવા મળી હતી. મંગળવારે સુઝલોન એનર્જીનો શેર લગભગ 7% ઘટીને ₹50ની નીચે સરક્યો હતો. બપોરે 2:16 વાગ્યે શેર ₹49.69 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટાડા સાથે વર્ષ 2026માં અત્યાર સુધી શેરનું રિટર્ન નેગેટિવ થઈ ગયું છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં શેરમાં લગભગ 17.81%નો ઘટાડો નોંધાયો છે.
શું કામ કરે છે કંપની?
સુઝલોન એનર્જી પવન ઊર્જા ક્ષેત્રની અગ્રણી કંપની છે. કંપની વિન્ડ ટર્બાઈનનું ઉત્પાદન કરે છે તેમજ પવન ઊર્જા પ્રોજેક્ટ્સ માટે સપ્લાય, ઈન્સ્ટોલેશન અને મેઈન્ટેનન્સ જેવી સેવાઓ આપે છે. ઉપરાંત, કંપની EPC (ઇન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન), રિન્યુએબલ એનર્જી એસેટ મેનેજમેન્ટ અને ફાઉન્ડ્રી-ફોર્જિંગ જેવા વ્યવસાયોમાં પણ કાર્યરત છે. ભારત ઉપરાંત કંપનીનું કાર્યક્ષેત્ર અનેક આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ વિસ્તરેલું છે.
આ પણ વાંચો : BELના Q1 પરિણામો જાહેર, નેટ પ્રોફિટમાં 8.8%નો વધારો, આવક રૂપિયા 5,533 કરોડે પહોંચી
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.