એક સમય હતો જ્યારે ભારત વિશ્વના અન્ય દેશોમાંથી હથિયારો આયાત કરવામાં અગ્રેસર દેશોની યાદીમાં સામેલ હતું. પરંતુ આજે વડાપ્રધાનના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનના કારણે સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. ભારત હવે દુનિયાના નકશા પર એક મોટા ડિફેન્સ એક્સપોર્ટર (સંરક્ષણ નિકાસકાર) તરીકે ઉભરી આવ્યું છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસ રેકોર્ડબ્રેક ₹38,424 કરોડના ઓલ-ટાઇમ હાઇ સ્તરે પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના ₹23,622 કરોડની સરખામણીએ 62.66% નો મજબૂત વધારો દર્શાવે છે.


મિસાઈલ ખરીદવા 14 દેશે ઈચ્છા વ્યક્ત કરી

આ વૈશ્વિક સફળતાની પાછળ ભારતની સ્વદેશી ટેક્નોલોજી અને ખાસ કરીને 'બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ'નો મોટો હાથ છે. તાજેતરમાં યોજાયેલા 'ઓપરેશન સિંદૂર'માં બ્રહ્મોસ મિસાઈલે જે શાનદાર પ્રદર્શન કર્યું છે, તેનાથી વૈશ્વિક સંરક્ષણ બજારમાં ભારતનો દબદબો અનેકગણો વધી ગયો છે. આ ઓપરેશનમાં બ્રહ્મોસની તાકાત જોઈને હવે વિશ્વના અંદાજે 14 જેટલા દેશોએ ભારત પાસેથી આ મિસાઈલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રસપ્રદ વાત એ છે કે, આ મિસાઈલ ભારત અને રશિયાએ સંયુક્ત રીતે બનાવી છે, પરંતુ 'ઓપરેશન સિંદૂર'માં તેની શક્તિ જોઈને હવે ખુદ રશિયા પણ તેને પોતાની સેનામાં સામેલ કરવા આતુર બન્યું છે.

 ભારતે ફિલિપાઇન્સ સાથે 375 મિલિયન ડોલરની ડીલ કરી 

બ્રહ્મોસની વૈશ્વિક ડીલની વાત કરીએ તો, ભારતે ફિલિપાઇન્સ સાથે 375 મિલિયન ડોલરની મોટી ડીલ કરી છે. ફિલિપાઇન્સ બાદ વિયેતનામે પણ ભારત સાથે આશરે 629 મિલિયન ડોલર (અંદાજે ₹12,500 કરોડ) નો મોટો કરાર કર્યો છે. આ સિવાય ઇન્ડોનેશિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશો પણ પોતાની સેનાને મજબૂત કરવા માટે આકાશતીર અને બ્રહ્મોસ જેવા એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા ભારત સાથે પ્રાથમિક તબક્કાની વાતચીત કરી રહ્યા છે. આ ઉપરાંત થાઈલેન્ડ, મલેશિયા, ઓમાન, ચિલી, બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને ઈજિપ્ત જેવા દેશો પણ બ્રહ્મોસને પોતાની સેનાનો હિસ્સો બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

બ્રહ્મોસ મિસાઈલ કેમ છે આટલી ખાસ?

બ્રહ્મોસની ગણતરી વિશ્વની સૌથી ઝડપી ઓપરેશનલ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાં થાય છે. તે 2.8 થી 3 મેક (અવાજની ગતિ કરતાં લગભગ ત્રણ ગણી વધુ) એટલે કે આશરે 3700 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે ઉડી શકે છે. આટલી સ્પીડના કારણે દુશ્મન દેશના રડાર કે એર ડિફેન્સ સિસ્ટમને તેની ખબર પડે તે પહેલાં જ તે પોતાનું કામ તમામ કરી નાખે છે. સૌથી મોટી ખાસિયત એ છે કે તેને જમીન, હવા, સમુદ્રની સપાટી અને સમુદ્રની અંદર સબમરીન એમ ચારેય જગ્યાએથી સફળતાપૂર્વક લોન્ચ કરી શકાય છે.

આ પણ વાંચો:Iran Hindu: મુસ્લિમ દેશ ઈરાનમાં વસતા હિન્દુઓ છે આર્થિક રીતે સધ્ધર, જાણો તેઓ કેવી રીચે પહોંચ્યા?

  • Follow us on: