દુનિયામાં કેરીની નિકાસ બાબતે ચોથા નંબરે આવતા પાકિસ્તાનને આ વર્ષે મોટો આર્થિક ફટકો પડવા જઈ રહ્યો છે. જૂન 2026ના આ ચાલુ સીઝનમાં પાકિસ્તાનનો કેરી નિકાસનો લક્ષ્યાંક ગત વર્ષની સરખામણીએ 30,000 ટન ઘટીને માત્ર 80,000 ટન રહેવાનો અંદાજ છે. મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) અને હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવને કારણે દરિયાઈ નૂર ભાડામાં તોતિંગ વધારો થયો છે. ગત વર્ષે જે કન્ટેનરનું ભાડું 1,400 ડોલર હતું, તે આ વર્ષે વધીને 6,000 થી 7,000 ડોલર સુધી પહોંચી ગયું છે, જેના લીધે કેરીની નિકાસ કરવી હવે ભારે નુકસાનનો સોદો સાબિત થઈ રહી છે.


 શિપિંગ ખર્ચ આસમાને પહોંચ્યો 

સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ગલ્ફ દેશો સહિતના મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં માંગમાં ભારે ઘટાડો થયો છે અને શિપિંગ ખર્ચ આસમાને પહોંચ્યો છે. સામાન્ય રીતે પાકિસ્તાનની કુલ કેરી નિકાસનો 80 ટકા હિસ્સો ગલ્ફ દેશો, ઈરાન અને અફઘાનિસ્તાન તરફ જાય છે, પરંતુ હાલમાં આ તમામ વિસ્તારો સંઘર્ષની ઝપેટમાં છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ બંધ હોવાને કારણે સેંકડો ટ્રકો અટવાઈ પડી છે. ભૌગોલિક-રાજકીય તણાવ અને મોંઘવારીની આ સીધી અસર પાકિસ્તાનના કૃષિ ક્ષેત્ર પર પડી રહી છે.

સામાન્ય નાગરિકો માટે આજીવિકા ચલાવવી મુશ્કેલ

બીજી તરફ, નિકાસ અટકી પડવાના કારણે પાકિસ્તાનના સ્થાનિક બજારોમાં કેરીની ભારે આવક થઈ છે, જેના લીધે કિંમતો ગત વર્ષ કરતા અડધી એટલે કે આશરે 200 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો સુધી ગગડી ગઈ છે. જો કે, કિંમતો ઘટવા છતાં સ્થાનિક પરિવારો કેરી ખરીદવાનું ટાળી રહ્યા છે. મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે દેશમાં મોંઘવારી દર 5.5 ટકાથી વધીને 10 ટકા પર પહોંચી ગયો છે. સામાન્ય નાગરિકો માટે આજીવિકા ચલાવવી મુશ્કેલ બની ગઈ છે, જેથી સ્થાનિક બજારોમાં પણ કેરીના લેવાલી મળતા નથી અને વેપારીઓએ પોતાના એડવાન્સ પૈસા ગુમાવીને કોન્ટ્રેક્ટ પડતા મૂકવાની નોબત આવી છે.

આ પણ વાંચો:Bolivia Crisis:બોલિવિયામાં ખાવા-પીવાના ફાફા વચ્ચે રાષ્ટ્રપતિએ કેમ લગાવી 90 દિવસની ઇમરજન્સી?

  • Follow us on: