ભારત સહિત વિશ્વભરમાં ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટની સેવાઓ અચાનક ઠપ થઈ જવાને કારણે મોટી ડિજિટલ કટોકટી સર્જાઈ છે. છેલ્લા 13 કલાકથી વધુ સમયથી માઈક્રોસોફ્ટની મહત્વપૂર્ણ સેવાઓ બંધ હોવાને કારણે વિશ્વભરના કરોડો યુઝર્સ અને કંપનીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ વૈશ્વિક આઉટેજના પગલે માઈક્રોસોફ્ટ 365 (Microsoft 365), આઉટલુક (Outlook) અને ટીમ્સ (Teams) જેવી આવશ્યક સેવાઓ કામ કરતી બંધ થઈ ગઈ છે, જેના કારણે કોર્પોરેટ જગતનું કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

ભારત સહિત 74 દેશોમાં જોવા મળી ખામી 

વૈશ્વિક આઉટેજ પર નજર રાખતી એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ગુરુવારથી શરૂ થયેલા આ ટેકનિકલ વિક્ષેપની અસર ભારત સહિત દુનિયાના 74 દેશોમાં જોવા મળી છે. અંદાજ મુજબ, વિશ્વભરમાં આશરે 40 લાખ જેટલા વ્યવસાયો આ આઉટેજથી પ્રભાવિત થયા છે. મોટાભાગની કંપનીઓમાં દૈનિક સંદેશાવ્યવહાર, ઇમેઇલ અને ઓનલાઇન મીટિંગ્સ માટે આઉટલુક અને ટીમ્સનો ઉપયોગ થતો હોવાથી કામકાજ અટકી પડ્યું છે. કોઈનપીડિયાના અહેવાલ અનુસાર, આ આઉટેજના કારણે વૈશ્વિક સ્તરે દર કલાકે આશરે $1,00,000 એટલે કે અંદાજે ₹9.4 મિલિયન (₹94 લાખ) નું નુકસાન થઈ રહ્યું છે, જોકે હજુ સુધી કોઈ કંપનીએ નુકસાનનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી.

સરકારી અને સુરક્ષા એજન્સીઓ બની ભોગ

આ ટેકનિકલ ખામીની અસર માત્ર ખાનગી કંપનીઓ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સરકારી અને સુરક્ષા એજન્સીઓ પણ તેનો ભોગ બની છે. ઓસ્ટ્રેલિયાની સર્વેલન્સ એજન્સી અને ફેડરલ પોલીસની કામગીરીમાં પણ મોટો વિક્ષેપ પડ્યો છે, જેના કારણે એજન્સીઓ વચ્ચેનો આંતરિક સંપર્ક તૂટી ગયો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન (ASIO) ના ડિરેક્ટર જનરલ અને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ કમિશનર ક્રિસી બેરેટે પુષ્ટિ કરી હતી કે આઉટેજને કારણે તેમની સેવાઓ પર ગંભીર અસર પડી છે.

હાલમાં લાખો લોકો ઇમેઇલ અને અન્ય ક્લાઉડ સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. બીજી તરફ, માઈક્રોસોફ્ટે જણાવ્યું છે કે ટેકનિકલ ટીમ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને ટૂંક સમયમાં જ તમામ સેવાઓ પૂર્વવત કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ  હવે WhatsApp આપશે ઉધાર રૂપિયા, ચેટિંગની સાથે બિલ પેમેન્ટ, લોન અને AIની સુવિધાઓ પણ મળશે