ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટે પોતાના કર્મચારીઓ માટે સ્વેચ્છાએ નોકરી છોડવા માટે એક મહત્વપૂર્ણ 'વોલન્ટરી એક્ઝિટ ઓફર' રજૂ કરી છે. AI અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અબજો ડોલરના ખર્ચ વચ્ચે ઓપરેશનલ કોસ્ટ ઘટાડવા માટે કંપનીએ આ નીતિ અપનાવી છે. આ ઓફર સ્વીકારવાની અંતિમ તારીખ ૧ ડિસેમ્બર, ૨૦૨૬ છે, જે ફક્ત ૭૦ સ્તર અથવા તેનાથી નીચેના લાયક કર્મચારીઓ માટે જ લાગુ છે. કંપનીએ પાત્ર કર્મચારીઓને સીધી લિંક મોકલી છે.

નાણાકીય પેકેજ અને સેવરેન્સ સેલેરી

કંપનીએ દરેક પૂર્ણ સેવા વર્ષ માટે એક મહિનાનો મૂળ પગાર આપવાની નીતિ નક્કી કરી છે. જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹૧,૦૦,૦00 હોય અને તેમણે બે વર્ષ કામ કર્યું હોય, તો તેમને ₹૨,૦૦,૦૦૦ અને પાંચ વર્ષ પર ₹૫,૦૦,૦૦૦ મળશે. આ પેકેજ મહત્તમ ૯ મહિના અથવા ૩૯ અઠવાડિયાના પગાર (લગભગ ₹૯ લાખ સુધી) જેટલું હોઈ શકે છે. આ ઉપરાંત, નોકરી છોડ્યા પછી પણ કર્મચારી અને તેમના પરિવારને ચોક્કસ સમયગાળા માટે આરોગ્ય વીમો મળતો રહેશે. કર્મચારી પાસે રહેલા અનવેસ્ટેડ શેર (RSU) આગામી છ મહિના સુધી વેસ્ટ થતા રહેશે, અને નવી નોકરી શોધવા માટે કારકિર્દી સંક્રમણ સેવાઓની સહાય પણ અપાશે.

કઈ ટીમોને ઓફરમાં સામેલ કરવામાં આવી છે?

આ ઓફર તમામ વિભાગો માટે સમાન નથી. સેલ્સ, માર્કેટિંગ, સિક્યુરિટી અને કોમર્શિયલ બિઝનેસ જેવી ટીમોને આમાંથી બાકાત રાખવામાં આવી છે. બીજી તરફ, કોપાયલટ, કોર એઆઈ, એક્સબોક્સ, ફાઇનાન્સ અને એચઆર ટીમોને આમાં સામેલ કરાઈ છે, જ્યારે ક્લાઉડ પ્લસ એઆઈ ટીમો આંશિક રીતે જોડાયેલી છે.

જે કર્મચારીઓ આ ઓફરનો ઇનકાર કરશે તેઓ પોતાની વર્તમાન ભૂમિકામાં ચાલુ રહેશે અથવા તેમને અન્ય ટીમમાં મોકલી શકાશે. જોકે, કંપની જો સ્વેચ્છાએ ખર્ચ ઘટાડવામાં નિષ્ફળ જશે તો ભવિષ્યમાં ફરજિયાત છટણીનો આશરો લઈ શકે છે, જેમાં આટલું આકર્ષક નાણાકીય પેકેજ નહીં મળે. અગાઉના આવા જ કાર્યક્રમોને મળેલી સફળતા બાદ કંપની હવે આ પ્રયોગને વ્યાપક સ્તરે ચકાસી રહી છે.

આ પણ વાંચોઃ EPFO પેન્શનરો માટે ખુશીના સમાચાર, લધુત્તમ પેન્શમાં કરાશે આટલાનો વધારો!