ડિજિટલ પેમેન્ટ્સ કંપની One MobiKwik Systems (મોબિક્વિક)ને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC) લાઇસન્સ માટે મંજૂરી મળી છે. આ મંજૂરી બાદ કંપની હવે નવી ડિવિઝન “Mobikwik Financial Services Private Limited (MFSPL)” શરૂ કરી શકશે. આ નવા લાઈસન્સથી કંપનીને તેના રેગ્યુલેટેડ લોનિંગ બિઝનેસને વિસ્તૃત કરવાની તક મળશે. સાથે જ નવા ક્રેડિટ પ્રોડક્ટ્સ વિકસાવવા અને વધુ ગ્રાહકો તથા વેપારીઓને વધુ કાર્યક્ષમ અને નિયંત્રિત સેવાઓ આપવાની ક્ષમતા વધશે.

ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ખાસ ધ્યાન

કંપનીના નિવેદન મુજબ, મોબિક્વિક ગ્રુપ પાસે હાલમાં 18.6 કરોડથી વધુ ગ્રાહકો છે. નવી ડિવિઝન MFSPL આ વિશાળ ગ્રાહક આધારનો લાભ લઈને ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બ્રાન્ડ વિશ્વાસ, રિસ્ક અંડરરાઇટિંગ અને કલેક્શન ક્ષમતાઓનો ઉપયોગ કરશે. તેનો મુખ્ય હેતુ ઝડપથી નવા ક્રેડિટ પ્રોડક્ટ્સ બજારમાં રજૂ કરવાનો છે. આ અંતર્ગત ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જ્યાં હજુ સુધી સંપૂર્ણ નાણાકીય સેવાઓ પહોંચેલી નથી. ત્યાં નાના વેપારીઓ (MSMEs) અને ગ્રાહકોને સુરક્ષિત તેમજ અસુરક્ષિત બંને પ્રકારના લોન આપવામાં આવશે.

કંપનીની માર્કેટ કેપ 1700 કરોડ રૂપિયા વધી

NBFC કામગીરી શરૂ કરવા માટે હવે RBI તરફથી “સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન (COR)” મેળવવાનું રહેશે. આ સેવાઓ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ રહેશે. બજારમાં પણ આ સમાચારનો સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો. 27 એપ્રિલે મોબિક્વિકના શેરમાં ભારે ઉછાળો આવ્યો અને BSE પર લગભગ 20% સુધી વધીને રૂ. 243 સુધી પહોંચ્યો. કંપનીનું માર્કેટ કેપ 1700 કરોડ રૂપિયા વધી ગયું છે. કંપનીની સ્થાપના બિપિન પ્રીત સિંહ અને ઉપાસના ટાકૂ દ્વારા કરવામાં આવી હતી. ડિસેમ્બર 2024માં કંપની શેરબજારમાં લિસ્ટ થઈ હતી.

આ પણ વાંચો : ઓ બાપ રે! આ બેંકમાં તો 800 કરોડ ફસાયા, 400 કરોડ રૂપિયા તો બિનવારસી હાલતમાં!

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.