મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે અમદાવાદ ખાતે દેશના અગ્રણી ઔદ્યોગિક ઘરણાં 'અરવિંદ લિમિટેડ'ના વાઈસ ચેરમેન કુલીન લાલભાઈ સાથે ખાસ મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પના મુજબ ટેક્સટાઈલ ક્ષેત્રને વેગ આપવા માટે મધ્યપ્રદેશમાં પીએમ મિત્ર પાર્કની સ્થાપના કરવામાં આવી રહી છે, જેમાં અરવિંદ ગ્રુપ દ્વારા આગામી વર્ષ સુધીમાં ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ગુજરાતના સહયોગથી મધ્યપ્રદેશમાં ઔદ્યોગિક ક્રાંતિ
આ બેઠક બાદ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે અરવિંદ લિમિટેડ દ્વારા મધ્યપ્રદેશમાં 3 મુખ્ય સ્થળોએ પોતાના ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવી રહ્યા છે. જેમાં દેવાસ નજીક બરલાઈ, ધાર સ્થિત પીએમ મિત્ર પાર્ક અને ઈન્દોરના બેટમાનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી મધ્યપ્રદેશના 5,000 થી વધુ યુવાનોને ગારમેન્ટ અને ટેક્સટાઈલ સેક્ટરમાં રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.અરવિંદ લિમિટેડ દ્વારા ધાર જિલ્લામાં સ્થિત પીએમ મિત્ર પાર્કમાં અંદાજે રૂ. 1200 કરોડનું રોકાણ પ્રસ્તાવિત છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા 105 એકર જમીન ફાળવી દેવામાં આવી છે. કંપની ઈન્દોરમાં પિપકોન પ્રાઈવેટ લિમિટેડ સાથેના કરાર હેઠળ વાર્ષિક 70 લાખથી વધુ તૈયાર વસ્ત્રોનું ઉત્પાદન કરે છે.
