અમદાવાદ શહેરમાં ચોમાસા તેમજ મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના પોશ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પેલેડિયમ મોલ ખાતે AMC ની આરોગ્ય ટીમ દ્વારા અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મચ્છરજન્ય રોગચાળાના નિયંત્રણ માટે ઝુંબેશ 

આરોગ્ય વિભાગની ટીમે મોલના વિવિધ વિસ્તારો જેવા કે બેઝમેન્ટ, પાર્કિંગ, ફૂડ કોર્ટ, ગાર્ડનિંગ એરિયા અને ટેરેસ સહિત કુલ 30 જેટલી અલગ-અલગ જગ્યાઓ પર ઘનિષ્ઠ તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મોલના ટેરેસ સહિત 3 થી 4 જેટલી જગ્યાઓ પર ભરાયેલા પાણીમાંથી ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છરોના બ્રીડિંગ (લાર્વા/પોરા) મળી આવ્યા હતા.

મોલ સામે દંડાત્મક કાર્યવાહી

દરરોજ હજારો મુલાકાતીઓની અવરજવર ધરાવતા આ હાઇપ્રોફાઇલ મોલમાં મચ્છરોનો ઉછેર થતો હોવાનું સામે આવતાં જ AMC ના આરોગ્ય અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. મોલમાં યોગ્ય સાફ-સફાઈ અને પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાનું જોખમ ઊભું થવા બદલ મોલ તંત્ર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

AMC ની કાર્યવાહી

આરોગ્ય વિભાગ દ્વારા પેલેડિયમ મોલના મેનેજમેન્ટને બેદરકારી દાખવવા બદલ ત્વરિત કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને સ્થળ પર જ રૂ. 75,000 નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે જ મોલના તમામ વિસ્તારોમાં એન્ટિ-લાર્વલ કામગીરી કરવા અને ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી 2.80 લાખ અને સોનાના દાગીના પડાવનાર 2 આરોપી ઝડપાયા