રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીના પરંપરાગત ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસને સંપૂર્ણપણે નવા રંગરૂપ આપવાની એક ભવ્ય યોજના રજૂ કરી છે.કંપનીની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં તેમણે સ્પષ્ટ કર્યું કે રિલાયન્સ હવે માત્ર પરંપરાગત રિફાઇનિંગ,પેટ્રોલ કે ડીઝલ બનાવવા સુધી સીમિત નહીં રહે.કંપની કાચા તેલને કાર્બન ફાઇબર,સ્પેશિયાલિટી મટીરિયલ્સ અને ગ્રીન કેમિકલ્સ જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા પ્રોડક્ટ્સમાં રૂપાંતરિત કરશે.આ વ્યૂહરચનાનો મુખ્ય હેતુ વૈશ્વિક ભૌગોલિક રાજકીય (Geopolitical) તણાવ અને કોમોડિટીના ભાવોમાં થતી ભારે વધઘટની અસરને ઘટાડવાનો છે.


નવા યુગનું નવું ગ્રોથ એન્જિન

મુકેશ અંબાણીએ O2C બિઝનેસને રિલાયન્સ ગ્રુપનું લાંબા સમયનું ગ્રોથ એન્જિન ગણાવતા કહ્યું કે,આ બિઝનેસનો આગામી તબક્કો તદ્દન અલગ હશે.અમે આ બિઝનેસને એવી રીતે રી-ડિઝાઇન કરી રહ્યા છીએ જેથી કમાણીના એવા નવા સ્ત્રોત ઊભા થાય જેના પર બહારની અસ્થિરતાની કોઈ અસર ન પડે.અમે પ્રોસેસ થનારા ક્રૂડના દરેક બેરલનો ઉપયોગ ઊંચા માર્જિનવાળા એડવાન્સ મટીરિયલ્સ અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ બનાવવા માટે કરવા માંગીએ છીએ.

જામનગર રિફાઇનરીની મહત્વની ભૂમિકા

આ પરિવર્તન એટલા માટે મહત્વનું છે કારણ કે રિલાયન્સ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું અને અત્યાધુનિક રિફાઇનિંગ કોમ્પ્લેક્સ ચલાવે છે.હાલમાં જામનગરનું લગભગ વાર્ષિક આશરે 3.3 કરોડ ટન ભારતના સ્થાનિક બળતણની જરૂરિયાતને પૂરી કરે છે,જ્યારે બાકીનો હિસ્સો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) રિફાઇનરી દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવામાં આવે છે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ નવો પ્લાન ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવે છે.

હોર્મુઝ કટોકટી અને અનંત અંબાણીની ચેતવણી

AGM દરમિયાન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભાડાના દરો અને વીમા ખર્ચમાં વધારો થયો હોવા છતાં, રિલાયન્સે કાચા તેલના સ્ત્રોતોમાં વિવિધતા લાવીને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની કટોકટીનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. રિફાઇનરી તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રહી હતી. એલએનજી (LNG) ની આયાતમાં અવરોધ આવતા કંપનીએ એલપીજી (LPG) નો સપ્લાય ચાર ગણો વધાર્યો હતો. જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે ભારત તેની ઉર્જા જરૂરિયાતોના 70% થી વધુ હિસ્સા માટે બહારના દેશો પર નિર્ભર છે, જે દેશને વૈશ્વિક અસ્થિરતા સામે સંવેદનશીલ બનાવે છે.

આ પણ વાંચો - Auto News: ભારતીય સેનાના સન્માનમાં લોન્ચ થયા 2 શાનદાર સ્કૂટર્સ, જાણો તેની ખાસિયતો


  • Follow us on: