મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો આગામી થોડા જ દિવસોમાં તેના IPO માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કરી શકે છે. આ IPOનું કદ અંદાજે 4 અબજ ડૉલર (રૂપિયા 33,000 કરોડથી વધુ) હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે 19 જૂન, 2026ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાવાની છે.


ભારતીય શેરબજારનો સૌથી મોટો IPO

રિલાયન્સ જિયોનો IPO ભારતીય શેરબજારના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. આ પહેલાં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ 3.3 અબજ ડૉલરનો IPO લાવી સૌથી મોટા પબ્લિક ઑફરની સિદ્ધિ મેળવી હતી. હવે જિયો આ રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગઈ છે. જોકે 2026 દરમિયાન IPO બજારમાં ગત બે વર્ષ કરતાં થોડો મંદીનો માહોલ રહ્યો છે, તેમ છતાં જિયોની એન્ટ્રી સ્થાનિક તેમજ વિદેશી રોકાણકારોમાં નવી આશા જગાવી શકે છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પોતાની હિસ્સેદારી વેચીને IPO લાવશે

શરૂઆતમાં એવી ચર્ચા હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની હિસ્સેદારી વેચીને IPO લાવશે, જેને “ઓફર ફોર સેલ” (OFS) કહેવામાં આવે છે. પરંતુ તાજેતરના મળતી માહિતી મુજબ, વૈશ્વિક રોકાણકારો સાથે મૂલ્યાંકન (Valuation) અંગે થયેલી ચર્ચા બાદ મુકેશ અંબાણીએ વ્યૂહરચના બદલી છે. હવે કંપની “ફ્રેશ ઇશ્યુ” દ્વારા નવા શેર બહાર પાડશે. એટલે કે IPOમાંથી મળનારી સમગ્ર રકમ જિયોના વ્યવસાયના વિસ્તરણ, નવી ટેક્નોલોજી, AI અને 5G નેટવર્કના વિકાસમાં ખર્ચવામાં આવશે. આ નાણાં પ્રમોટરો કે જૂના રોકાણકારોને નહીં મળે.

રિલાયન્સના શેરોને મળી શકે ટેકો

2026નું વર્ષ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે અત્યાર સુધી પડકારજનક રહ્યું છે. ખાડી ક્ષેત્રમાં વધતા તણાવ અને અસ્થિરતાના કારણે કંપનીના મુખ્ય રિફાઈનિંગ (તેલ) વ્યવસાય પર અસર પડી છે. પરિણામે માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 13 ટકા ઘટ્યો હતો. આ ઉપરાંત, રિલાયન્સના શેરોમાં વર્ષ દરમિયાન અંદાજે 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની AGMમાં મુકેશ અંબાણીએ જિયોની લિસ્ટિંગ 2026ના પ્રથમ છ મહિનામાં કરવાની ખાતરી આપી હતી. આવા સંજોગોમાં જિયોનો IPO કંપની માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરી શકે છે.

AI અને 5G પર જિયોની મોટી તૈયારી

2020માં રિલાયન્સ જિયોએ ગૂગલ, મેટા, સાઉદી અરેબિયાના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) અને KKR સહિતના 13 મોટા વૈશ્વિક રોકાણકારો પાસેથી રૂ. 1.5 લાખ કરોડથી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું. આ રોકાણ બાદ જિયો સંપૂર્ણપણે કર્જમુક્ત (Net Debt-Free) બની ગઈ હતી. આજે જિયો માત્ર ટેલિકોમ કંપની નથી રહી. કંપની ક્લાઉડ કમ્પ્યુટિંગ, બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહી છે. 19 જૂને બપોરે 2 વાગ્યે યોજાનારી વર્ચ્યુઅલ AGMમાં રોકાણકારો અને ગ્રાહકોની નજર ખાસ કરીને આ બાબત પર રહેશે કે જિયો તેના ડિજિટલ અને AI વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે કઈ નવી જાહેરાતો કરે છે.

આ પણ વાંચો : Pizza Hut: પિઝા હટ વેચાઈ ગઈ! ઉધારીના 12500થી શરૂઆત...આજે 22500 કરોડમાં ડીલ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.


  • Follow us on: