માર્ચ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જે બજારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે પણ રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) દ્વારા 10 એપ્રિલે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ માર્ચ મહિનામાં ઈક્વિટી ફંડ્સમાં કુલ 40,450 કરોડ રૂપિયાનું રોકાણ થયું, જે ફેબ્રુઆરીના 25,978 કરોડ રૂપિયાથી ઘણું વધારે છે.
રોકાણકારો બન્યા સર્તક
વિશ્વસ્તરે ઈરાન સંબંધિત તણાવ અને કાચા તેલના વધતા ભાવને કારણે બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હોવા છતાં રોકાણકારોએ ઈક્વિટી બજારમાંથી મોં ફેરવ્યું નથી. વિપરીત પરિસ્થિતિઓમાં પણ તેમણે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ ચાલુ રાખ્યું છે. આ સ્થિતિ એ પણ દર્શાવે છે કે ઘણા રોકાણકારો બજારમાં આવેલા ઉતાર-ચઢાવને ખરીદીની તક તરીકે જોઈ રહ્યા છે.
લાર્જ કેપ ફંડમાં રોકાણ વધ્યું
લાર્જ-કૅપ ફંડ્સમાં પણ માર્ચ દરમિયાન રોકાણમાં વધારો થયો છે. આ કેટેગરીમાં 2,998 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું, જે ફેબ્રુઆરીમાં 2,112 કરોડ રૂપિયા હતું. આથી સ્પષ્ટ થાય છે કે રોકાણકારો ફરીથી સ્થિર અને વિશ્વસનીય બ્લૂ-ચિપ કંપનીઓ તરફ વળી રહ્યા છે.
મિડ-કૅપ ફંડ્સમાં 6,064 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું, જે ફેબ્રુઆરીના 4,002.99 કરોડ રૂપિયાથી નોંધપાત્ર રીતે વધુ છે. આથી જણાય છે કે રોકાણકારો ઊંચી વૃદ્ધિની સંભાવના ધરાવતા સેગમેન્ટમાં રસ દાખવી રહ્યા છે.
સાથે જ સ્મોલ-કૅપ ફંડ્સમાં પણ જોરદાર વધારો નોંધાયો છે. માર્ચમાં આ ફંડ્સમાં 6,264 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું, જ્યારે ફેબ્રુઆરીમાં આ આંકડો 3,881.06 કરોડ રૂપિયા હતો. ખાસ કરીને બંધન સ્મોલ કૅપ ફંડમાં સૌથી વધુ 1,571.93 કરોડ રૂપિયાનું ઇન્ફ્લો નોંધાયું છે.
આ પણ વાંચો : LIC Bonus Share : રોકાણકારોને થશે મોટો ફાયદો, કંપની પોતાના રોકાણકારોને 1 શેર પર 1 શેર આપશે ફ્રી
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.