નેસ્લે ઈન્ડિયાએ 21 એપ્રિલે તેના માર્ચ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીએ મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ વર્ષદર વર્ષ આધારે 26% વધીને 1,114.1 કરોડ રૂપિયા થયો છે, જે એનાલિસ્ટ્સના અંદાજ કરતાં વધુ છે. બજારના અંદાજ મુજબ નફો 998 કરોડ રૂપિયા રહેવાનો અનુમાન હતો.
કંપનીએ પ્રતિ શેર 5 રૂપિયા ડિવિડન્ડની કરી જાહેરાત
કંપનીની ઓપરેશન્સમાંથી આવક પણ 22.6% વધીને 6,747.8 કરોડ રૂપિયા થઈ છે. વિશ્લેષકો દ્વારા રેવન્યુ 6,250 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ કંપનીએ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. પરિણામ જાહેર થયા બાદ કંપનીએ પ્રતિ શેર 5 રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત પણ કરી છે.
જાહેરાત ખર્ચમાં પણ લગભગ 50%નો વધારો
કંપનીના મેનેજમેન્ટ મુજબ આ મજબૂત પ્રદર્શન પાછળ ડબલ ડિજિટ વોલ્યુમ ગ્રોથ મુખ્ય કારણ રહ્યું છે. જાહેરાત ખર્ચમાં પણ લગભગ 50%નો વધારો કરવામાં આવ્યો છે. કંપનીના ચેરમેન અને એમડી મનીષ તિવારીએ જણાવ્યું કે EBITDA માર્જિન 26.3% પર સ્થિર રહ્યું છે. માર્ચ ત્રિમાસિક દરમિયાન કુલ વેચાણ અને સ્થાનિક વેચાણમાં અનુક્રમે 23.4% અને 23.1%નો વધારો નોંધાયો છે. કન્સોલિડેટેડ આધારે કંપનીની આવક 6,766.24 કરોડ રૂપિયા રહી છે, જે ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં 5,679.87 કરોડ રૂપિયા હતી. કન્સોલિડેટેડ નફો પણ 11.3% વધીને 1,110.90 કરોડ રૂપિયા થયો છે.
શેરબજારમાં પણ અસર જોવા મળી
મજબૂત પરિણામોની અસર શેરબજારમાં પણ જોવા મળી. પરિણામ જાહેર થયા બાદ કંપનીના શેરમાં 6%થી વધુનો ઉછાળો નોંધાયો અને ભાવ 1,366 રૂપિયા સુધી પહોંચ્યો. છેલ્લા એક મહિનામાં શેરમાં લગભગ 17%નો વધારો થયો છે. સાથે જ સમગ્ર બજારમાં પણ તેજી જોવા મળી, જેમાં નિફ્ટી 50 અને સેન્સેક્સ બંનેમાં મજબૂત ઉછાળો નોંધાયો.
આ પણ વાંચો : Vedanta Demerger : વેદાંતાના 21 લાખ રોકાણકારો માટે સારા સમાચાર, ડિમર્જરની રેકોર્ડ ડેટ કરી જાહેર
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.