મિડલ ઇસ્ટમાં શાંતિ સ્થપાયા બાદ હવે ભારતીય કંપનીઓ આ ક્ષેત્રમાં પોતાનો નિકાસ વેપાર ફરીથી વધારવા માટે જોરશોરથી તૈયારીઓમાં લાગી ગઈ છે. સંઘર્ષ દરમિયાન પ્રભાવિત થયેલા વેપારને પાટા પર લાવવા માટે ઘણી દિગ્ગજ કંપનીઓએ પ્રોડક્શન ક્ષમતા વધારવા અને શિપિંગ વ્યવસ્થા મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. એફએમસીજી (FMCG), ઓટોમોબાઈલ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રિકલ સામાન બનાવતી કંપનીઓ પોતાની ક્ષમતામાં મોટો વધારો કરી રહી છે. ઉદ્યોગ જગતને આશા છે કે માલભાડું ઘટવા અને સપ્લાય ચેઈન સામાન્ય થવાથી આગામી સમયમાં નિકાસ, નફો અને માંગ ત્રણેયમાં મોટો સુધારો જોવા મળશે.


FMCG કંપનીઓએ પ્રોડક્શન વધાર્યું

યુદ્ધ અને સંઘર્ષના ગાળા દરમિયાન મિડલ ઇસ્ટ માટે ભારતની પ્રોડક્શન ક્ષમતાનો ઉપયોગ ઘટીને 45 થી 50 ટકા સુધી સીમિત થઈ ગયો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. પાર્લે પ્રોડક્ટ્સ, ડાબર અને એડિબલ ઓઈલ કંપની એડબલ્યુએલ (AWL) એગ્રી બિઝનેસ જેવી કંપનીઓ ખાડી દેશો માટે પોતાના કારખાનાઓની ક્ષમતાનો ઉપયોગ 90 ટકાથી વધુ સુધી લઈ જવાની તૈયારી કરી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યુદ્ધ દરમિયાન માલભાડામાં પ્રતિ ટન આશરે 100 ડોલરનો વધારાનો ચાર્જ ઉમેરાઈ ગયો હતો, જેનો બોજ ગ્રાહકો પર પડ્યો હતો. હવે માલભાડું સામાન્ય થતાં લોટ, ખાદ્ય તેલ અને અન્ય જરૂરી વસ્તુઓની કિંમતોમાં 5 થી 9 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે, જેનાથી ઈરાન, ઈરાક અને સાઉદી અરેબિયા જેવા બજારોમાં ભારતીય નિકાસકારો માટે નવી તકો ખુલશે.

ઓટો અને કન્સ્ટ્રક્શન સેક્ટરને મોટી આશા

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી પણ મિડલ ઇસ્ટમાં નિકાસ વધારવા માટે પ્લાનિંગ કરી રહી છે. સંઘર્ષ પહેલાં કંપનીના કુલ નિકાસમાં આ ક્ષેત્રનો હિસ્સો 12 ટકાથી વધુ હતો, જે હવે ફરી મજબૂત કરાશે. બીજી તરફ, જેસીબી (JCB) ઇન્ડિયાને પણ યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં પુનઃનિર્માણ (Reconstruction) ની કામગીરી શરૂ થવાથી કન્સ્ટ્રક્શન ઉપકરણોની માંગ વધવાની મોટી આશા છે.

સપ્લાય ચેઈન સામાન્ય થતાં નફો વધશે

મિડલ ઇસ્ટ ભારતીય કંપનીઓ માટે સૌથી મહત્વપૂર્ણ વિદેશી બજારોમાંનું એક છે. ડાબરના ઇન્ટરનેશનલ બિઝનેસનો આશરે 35 ટકા હિસ્સો આ ક્ષેત્રમાંથી આવે છે, જ્યારે હેવેલ્સને તેની નિકાસ કમાણીના આશરે 40 ટકા અને મેરીકોને આશરે 4 ટકા આવક મિડલ ઇસ્ટમાંથી મળે છે. પાર્લે પ્રોડક્ટ્સના જણાવ્યા અનુસાર, સપ્લાય ચેઈન સામાન્ય થવાથી અને માલભાડું ઘટવાથી સંઘર્ષ દરમિયાન દબાણમાં આવેલા કંપનીઓના પ્રોફિટ માર્જિન અને નફામાં હવે મોટો સુધારો જોવા મળશે.

આ પણ વાંચો:Swedenમાં 'ખરાબ વર્તન' બદલ પણ છીનવાઈ શકે છે રેઝિડન્સી પરમિટ,નવો કડક કાયદો લાગુ

  • Follow us on: