સ્વીડનની સંસદે સોમવારે એક અત્યંત કડક અને ઐતિહાસિક કાયદો પસાર કર્યો છે, જે હેઠળ હવે વિદેશી પ્રવાસીઓ (ઇમિગ્રન્ટ્સ) ના 'ખરાબ આચરણ' અથવા 'ખરાબ વર્તન'ના આધારે તેમની રેઝિડન્સી પરમિટ રદ્દ કરી શકાશે. આ નવા કાયદા મુજબ, જો કોઈ પ્રવાસી દેવું ન ચૂકવે, સ્થાનિક સત્તાવાળાઓને જણાવ્યા વિના કામ કરે અથવા ઉગ્રવાદી સંગઠનો સાથે સંબંધ ધરાવતો હોય, તો અધિકારીઓ તેમની રેઝિડન્સી પરમિટ તાત્કાલિક અસરથી રદ્દ કરી શકે છે.
સૌથી મહત્વની બાબત એ છે કે આ નવો નિયમ માત્ર નવી અરજીઓ પર જ લાગુ નહીં થાય, પરંતુ જેમને પહેલાથી જ રેઝિડન્સી પરમિટ મળી ચૂકી છે, તેમની પણ સમીક્ષા કરીને પરમિટ રદ્દ કરી શકાશે. સ્વીડનની વર્તમાન દક્ષિણપંથી સરકાર અને તેની સહયોગી રાષ્ટ્રવાદી પાર્ટી 'સ્વીડન ડેમોક્રેટ્સ' ની કડક ઇમિગ્રેશન નીતિના ભાગરૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. સપ્ટેમ્બરમાં યોજાનારી સંસદીય ચૂંટણી પહેલા સરકાર ઇમિગ્રેશનના નિયમોને સતત વધુ કડક બનાવી રહી છે.
નવા કાયદાની ઉગ્ર આલોચના
બીજી તરફ, વિપક્ષી પક્ષો અને માનવાધિકાર સંગઠનો આ કાયદાનો ભારે વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો મનસ્વી છે, કારણ કે આમાં એવી પ્રવૃત્તિઓ પર પણ પરમિટ રદ્દ થઈ શકે છે જેને કાયદાકીય રીતે ગુનો જાહેર કરવામાં નથી આવી. સ્ટોકહોમ સ્થિત માનવાધિકાર સંગઠન 'સિવિલ રાઈટ્સ ડિફેન્ડર્સ' ના જણાવ્યા અનુસાર, આ 'સારા વર્તનવાળો કાયદો' લોકોમાં ભ્રમ અને ડર પેદા કરશે, કારણ કે લોકોને ખબર જ નહીં પડે કે તેમની કઈ પ્રવૃત્તિ કે અભિવ્યક્તિ તેમની વિરુદ્ધ ઉપયોગમાં લેવાશે. આનાથી કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત નબળો પડે છે.
વર્ષ ૨૦૨૨ની ચૂંટણી ઇમિગ્રેશન પર કડક નિયમો લાવવાના વાદા સાથે જીતનારી સરકારનું કહેવું છે કે જે લોકો નિયમોનું પાલન નથી કરતા કે ગુનાખોરીમાં સામેલ છે, તેમનું દેશમાં કોઈ સ્થાન નથી. જો કે, આ કાયદામાં કયું વર્તન 'અસ્વીકાર્ય' ગણાશે તેની ચોક્કસ વ્યાખ્યા હજુ સ્પષ્ટ નથી થઈ. પરંતુ સરકારે સંકેત આપ્યા છે કે બાકી દેવું, ટેક્સની ચોરી, ગુનાહિત પ્રવૃત્તિઓ અને કટ્ટરપંથી સંગઠનો સાથેની સાંઠગાંઠ આ યાદીમાં સામેલ છે.
આ તમામ મામલાઓની સમીક્ષા 'સ્વીડિશ માઈગ્રેશન એજન્સી' કરશે અને તેના નિર્ણય વિરુદ્ધ માઈગ્રેશન કોર્ટમાં અપીલ કરી શકાશે. માર્ચ મહિનામાં આ બિલ રજૂ કરતી વખતે સ્વીડનના ઇમિગ્રેશન મંત્રી યોહાન ફોર્શેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જે લોકો યોગ્ય રીતે રહેવા માંગતા નથી, તેમણે સ્વીડનમાં રહેવાની આશા રાખવી જોઈએ નહીં."
આ પણ વાંચો:Bomb Hoax:ટ્રેનમાં કન્ફર્મ સીટ ન મળી તો યુવકે ઉડાવી બોમ્બની અફવા, રેલવે સ્ટેશન પર મચી અફરાતફરી