દેશના નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ટોલ પ્લાઝા પર લાગતી લાંબી કતારો હવે ભૂતકાળ બની રહી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા અમલમાં મૂકાયેલી અવરોધ-મુક્ત 'મલ્ટી લેન ફ્રી ફ્લો' (MLFF) સિસ્ટમ મુસાફરોની સુવિધાની સાથે સરકારની તિજોરી ભરવાનું મશીન સાબિત થઈ છે. તાજેતરના આંકડા મુજબ, દેશના સાત ટોલ પ્લાઝા પર વાહનોને રોક્યા વિના જ કુલ ₹538.95 કરોડની ટોલ આવક એકત્ર કરવામાં આવી છે, જે અગાઉની ₹449.72 કરોડની આવક કરતાં ₹89.23 કરોડ એટલે કે 19.84 ટકા વધુ છે.
ગુજરાતથી થઈ શરૂઆત, સાત પ્લાઝા પર જબરદસ્ત સફળતા
NHAI એ અત્યાર સુધીમાં દેશના મુખ્ય હાઈવે પર કુલ નવ MLFF સિસ્ટમ સ્થાપિત કરી છે, જેમાંથી 31 ઓક્ટોબર, 2026 સુધીના સાત પ્લાઝાના ડેટા જાહેર કરાયા છે. દેશમાં સૌપ્રથમ 1 મે, 2026ના રોજ ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ શરૂ થઈ હતી. ત્યારબાદ દિલ્હીના મુંડકા, હરિયાણાના ઘરૌંડા, રાજસ્થાનના દૌલતપુરા, મનોહરપુરા, શાહજહાંપુર અને તમિલનાડુના પરાનુર ખાતે તેનો અમલ થયો, જ્યાં ટોલ વસૂલાતમાં 15.66% થી લઈને 26.95% સુધીનો ઉછાળો નોંધાયો છે. નવેમ્બર 2026માં તમિલનાડુના નેમિલી અને ચેનાસમુદ્રમ ખાતે પણ આ સુવિધા શરૂ કરાઈ છે.
