ટાટા ગ્રૂપની રિટેલ કંપની Trent લિમિટેડના ચેરમેન નોએલ ટાટાએ પોતાના પદેથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં તેઓ 70 વર્ષની ઉંમરે પહોંચવાના હોવાથી ટાટા ગ્રૂપની ગવર્નન્સ નીતિ મુજબ તેમનો લગભગ 30 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થશે. ટ્રેન્ટની 47મી વાર્ષિક સામાન્ય સભામાં નોએલ ટાટાએ શેરહોલ્ડર્સને જણાવ્યું હતું કે ચેરમેન તરીકે આ તેમની છેલ્લી એજીએમ છે. ટાટા ગ્રૂપના નિયમો મુજબ નોન-ઇન્ડિપેન્ડન્ટ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ 70 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે.


1998માં ટ્રેન્ટના બોર્ડમાં જોડાયા હતા 

નોએલ ટાટા 1998માં ટ્રેન્ટના બોર્ડમાં ડિરેક્ટર તરીકે જોડાયા હતા. ત્યારબાદ 1999માં તેઓ કંપનીના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. તેમની આગેવાની હેઠળ ટ્રેન્ટે નોંધપાત્ર વિકાસ કર્યો છે. એક જ Westside સ્ટોરથી શરૂ થયેલી કંપની આજે 1,200થી વધુ સ્ટોર્સના નેટવર્ક સુધી પહોંચી છે. કંપનીના પોર્ટફોલિયોમાં Zudio અને Star જેવા બ્રાન્ડ્સે પણ મજબૂત સ્થાન બનાવ્યું છે.

કંપનીના શેરમાં તેજી જોવા મળી 

નોએલ ટાટાએ જણાવ્યું કે ટ્રેન્ટના શ્રેષ્ઠ વર્ષો હજુ આગળ છે અને કંપની ભારત ઉપરાંત અન્ય બજારોમાં પણ વિસ્તરણની મોટી તકો ધરાવે છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીની આવક વધીને રૂ. 19,701 કરોડ સુધી પહોંચી છે. નોએલ ટાટાની જાહેરાત બાદ ટ્રેન્ટના શેરોમાં પણ તેજી જોવા મળી હતી. મંગળવારે કંપનીનો શેર 3.6 ટકા ઉછળી BSE પર રૂ. 3,255ના સ્તરે બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1.73 લાખ કરોડથી વધુ થઈ ગયું છે.

આ પણ વાંચો : Flight Ticket Prices: હવાઈ મુસાફરી હવે મોંઘી બનશે! ટિકિટના ભાવમાં 25% સુધીના વધારાની શક્યતા


  • Follow us on: