દેશમાં મોંઘવારી ફરી એકવાર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભારે પડવાની તૈયારીમાં છે. ડુંગળીના ભાવમાં બમણો (લગભગ 99.6%) વધારો થયો છે, જ્યારે કઠોળ, ચોખા, દૂધ અને ખાદ્ય તેલ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પણ સતત વધી રહ્યા છે. બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ, ઓક્ટોબરમાં ૨૦ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વાર્ષિક ધોરણે 11.1% નો વધારો નોંધાયો છે. આ વધતા ફુગાવાના કારણે આગામી સમયમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
છૂટક ફુગાવાના આંકડા થશે જાહેર
ઓક્ટોબર મહિનાના છૂટક ફુગાવાના આંકડા ટૂંક સમયમાં જાહેર થવાના છે. સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો 5.54% હતો, જે ઓક્ટોબરમાં વધીને ૬% સુધી પહોંચી શકે છે. જો ફુગાવો આ સ્તરે રહે કે વધે, તો 2 થી 4 ડિસેમ્બર દરમિયાન મળનારી RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં વ્યાજ દર અંગે કડક નિર્ણય લેવાઈ શકે છે. અગાઉ કેન્દ્રીય બેંકે રેપો રેટ વધારીને5.50% કર્યો હતો. જો ફુગાવા પર અંકુશ મેળવવા માટે RBI ફરીથી રેપો રેટમાં 0.25% નો વધારો કરે છે, તો તેની સીધી અસર બેંક લોન પર પડશે, જેનાથી હોમ લોન અને અન્ય લોન લેનારાઓનો માસિક EMI વધી જશે.
