ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને ડિફેન્સ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ માટે નવા ઓર્ડરની મોટી તકો ઊભી થઈ રહી છે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T), અશોકા બિલ્ડકોન, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) અને કોચિન શિપયાર્ડને મળીને ₹4,000 કરોડથી વધુના નવા ઓર્ડર મળ્યા છે. આ ઓર્ડરથી કંપનીઓની ઓર્ડર બુક મજબૂત થવાની સાથે આગામી વર્ષોમાં આવકની સંભાવનાઓ પણ વધી શકે છે. 

1. L&Tને નોઇડા મેટ્રોનો ₹2,500 કરોડ સુધીનો ઓર્ડર

દેશની મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની L&Tને નોઇડા મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી ₹1,000 કરોડથી ₹2,500 કરોડની કેટેગરીમાં મોટો ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ નોઇડા મેટ્રોની એક્વા લાઇનનો 15.1 કિલોમીટરનો એલિવેટેડ વિસ્તાર બનાવવામાં આવશે. તેમાં બોટનિકલ ગાર્ડનથી નોઇડા સેક્ટર-142 અને ડેપો સ્ટેશનથી બોરાકી સુધીના વિસ્તારોને જોડવામાં આવશે. કુલ 10 એલિવેટેડ મેટ્રો સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 36 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. સપ્તાહ દરમિયાન L&Tનો શેર 2.38% વધીને ₹4,139 પર બંધ થયો હતો.

2. અશોકા બિલ્ડકોનને ભૂટાનમાં સોલર પ્રોજેક્ટ

અશોકા બિલ્ડકોનને ભૂટાનની ડ્રુક ગ્રીન પાવર કોર્પોરેશન તરફથી 120 મેગાવોટનો સોલર પાવર પ્રોજેક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટની કિંમત 58.9 મિલિયન અમેરિકી ડોલર એટલે કે અંદાજે ₹525 કરોડ છે. આ પ્રોજેક્ટમાં સોલર પાવર પ્લાન્ટની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે. કામ શરૂ થયા પછી 18 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ ઓર્ડર મળ્યા બાદ અશોકા બિલ્ડકોનનો શેર સપ્તાહ દરમિયાન 9.62% વધીને ₹112.33 પર બંધ થયો હતો.

3. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી માટે BHELને ઓર્ડર

BHELને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી ₹600 કરોડથી ₹900 કરોડની કેટેગરીમાં ઓર્ડર મળ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાતના કલ્યાણપુરમાં બે સિંક્રોનસ કન્ડેન્સર સ્થાપિત કરવા માટે છે. આ સાધનો જામ ખંભાળિયા રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ઉત્પન્ન થતી વીજળીના ટ્રાન્સમિશન અને ગ્રીડમાં તેના સંકલન માટે ઉપયોગી થશે. BHEL ડિઝાઇન, ઉત્પાદન, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગની જવાબદારી સંભાળશે. પ્રોજેક્ટ 35 મહિનામાં પૂર્ણ કરવાનો છે. આ સમાચાર બાદ સપ્તાહ દરમિયાન BHELનો શેર 8.55% વધીને ₹435.30 પર બંધ થયો હતો.

4. કોચિન શિપયાર્ડને નેવીનો ₹498 કરોડનો કોન્ટ્રાક્ટ 

કોચિન શિપયાર્ડને સંરક્ષણ મંત્રાલય તરફથી ભારતીય નૌકાદળના જહાજ INS બેતવાના રિફિટ અને રી-પાવરિંગ માટે ₹498.58 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.આ પ્રોજેક્ટ હેઠળ જહાજની હાલની સ્ટીમ આધારિત પ્રોપલ્શન સિસ્ટમને ડીઝલ એન્જિન આધારિત સિસ્ટમથી બદલવામાં આવશે. સાથે જ તેની શસ્ત્ર પ્રણાલીને પણ આધુનિક બનાવવામાં આવશે. આ કામ અંદાજે બે વર્ષમાં પૂર્ણ થવાનું છે. પ્રોજેક્ટમાં 50થી વધુ નાના અને મધ્યમ ઉદ્યોગો પણ સામેલ થશે. સપ્તાહ દરમિયાન કોચિન શિપયાર્ડનો શેર ₹1,178.50 પર બંધ થયો હતો.

રોકાણકારો માટે શું સંકેત?

આ ચારેય કંપનીઓને મળેલા નવા ઓર્ડરથી તેમની આગામી કામગીરી અને આવક અંગે વધુ સ્પષ્ટતા મળી શકે છે. ખાસ કરીને L&T અને BHELને મળેલા મોટા પ્રોજેક્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજળી ક્ષેત્રમાં રોકાણની તકો દર્શાવે છે. અશોકા બિલ્ડકોનને મળેલો ભૂટાનનો સોલર પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની હાજરી મજબૂત કરી શકે છે. જ્યારે કોચિન શિપયાર્ડનો ઓર્ડર સંરક્ષણ ક્ષેત્રમાં સ્થાનિક જહાજોના આધુનિકીકરણની તક દર્શાવે છે.

જોકે, માત્ર ઓર્ડર મળવાથી શેરમાં સતત તેજી આવશે તેની ખાતરી નથી. રોકાણકારોએ કંપનીની ઓર્ડર બુક, પ્રોજેક્ટ પૂર્ણ કરવાની ક્ષમતા, નફાનું માર્જિન, દેવું અને શેરનું હાલનું મૂલ્યાંકન પણ તપાસવું જોઈએ.

આ પણ વાંચો: Gujarat Highway: ગુજરાતને મળશે ₹1,182 કરોડનો 6 લેન હાઇવે, 2 રેલવે ઓવરબ્રિજ અને 3 અંડરપાસ બનશે