જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને પેન્શન મળે છે, તો પેન્શન નિયમિત રીતે ચાલુ રાખવા માટે દર વર્ષે 'જીવન પ્રમાણપત્ર' સબમિટ કરવું અનિવાર્ય છે. આ પ્રમાણપત્ર એ વાતની પુષ્ટિ કરે છે કે પેન્શનર હયાત છે. હવે આ કામ માટે બેંક કે પેન્શન ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી, તમે ઘરે બેઠા જ તમારા સ્માર્ટફોન વડે 'ડિજિટલ જીવન પ્રમાણપત્ર' જનરેટ કરી શકો છો.
ઉંમર મુજબ મહત્વપૂર્ણ તારીખો
80 વર્ષ કે તેથી વધુ ઉંમરના પેન્શનરો: 1 ઓક્ટોબરથી પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.
80 વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો: 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
પ્રક્રિયા શરૂ કરતા પહેલા આટલી વિગતો સાથે રાખો
મોબાઈલથી પ્રક્રિયા કરતા પહેલાં નીચે આપેલી માહિતી તૈયાર રાખવી:
- આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી (VID)
- પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર
- સક્રિય (એક્ટિવ) મોબાઈલ નંબર
- પેન્શન ખાતાની વિગતો (બેંક એકાઉન્ટ ડિટેલ્સ)
- પેન્શન મંજૂર કરનાર અને ચૂકવનાર વિભાગની વિગતો
સ્માર્ટફોનથી ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
સ્ટેપ 1: તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી 'Jeevan Pramaan Face App' અને 'AadhaarFaceRD' એમ બંને એપ્સ ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: એપ ખોલીને સ્ક્રીન પર આપેલી સૂચના મુજબ ઓપરેટર પ્રમાણીકરણ (Operator Authentication) પૂર્ણ કરો.
સ્ટેપ 3: પેન્શનરનો આધાર નંબર, PPO નંબર અને અન્ય માગેલી જરૂરી વિગતો દાખલ કરો.
સ્ટેપ 4: ફોનના ફ્રન્ટ કેમેરાનો ઉપયોગ કરીને ચહેરાનું પ્રમાણીકરણ (Face Authentication) પૂરું કરો.
સ્ટેપ 5: બધી વિગતો ચકાસીને પ્રક્રિયા 'સબમિટ' કરો.
સ્ટેપ 6: સફળતાપૂર્વક સબમિટ થયા બાદ સ્ક્રીન પર એક યુનિક પ્રમાણપત્ર ID (Certificate ID) મળશે, જેને ભવિષ્યના ઉપયોગ માટે સાચવીને રાખવું.
સ્માર્ટફોન ન હોય તો શું કરવું?
જો કોઈ પેન્શનર પાસે સ્માર્ટફોન ન હોય અથવા ડિજિટલ પ્રક્રિયા કરવામાં મુશ્કેલી પડતી હોય, તો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. ડિજિટલ સિવાય પણ અન્ય વિકલ્પો ઉપલબ્ધ છે. પોતાની નજીકની બેંક શાખાની રૂબરૂ મુલાકાત લઈને પ્રમાણપત્ર આપવું. બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ સેન્ટરનો ઉપયોગ કરવો. બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી ડોરસ્ટેપ બેંકિંગ (Doorstep Banking) સેવાનો લાભ લેવો.
આ પણ વાંચો : UPI પેમેન્ટ્સમાં કોનો દબદબો? Google Pay, Paytm કે PhonePe કોણે મારી બાજી..