હાલના સમયમાં ઈંધણની વધતી કિંમતો સામાન્ય જનતા માટે માથાનો દુખાવો બની રહી છે. હવે તેની સીધી અસર તમારા ઓનલાઈન ફૂડ ઓર્ડર અને ક્વિક કોમર્સ ડિલિવરી પર પણ જોવા મળી શકે છે. એલારા કેપિટલ (Elara Capital) ના તાજેતરના અહેવાલ મુજબ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલો વધારો Swiggy અને Zomato જેવા પ્લેટફોર્મ્સ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. ભવિષ્યમાં કંપનીઓ આ વધારાનો બોજ ગ્રાહકો પર નાખી શકે છે, જેના કારણે ઓનલાઈન ખાવાનું મંગાવવું વધુ મોંઘું થઈ શકે છે.
ગિગ વર્કર્સની માંગ અને કંપનીઓની કમાણી પર અસર
વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ અને કાચા તેલના ઉત્પાદનમાં ફેરફારને કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર આશરે ૪ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. આ વધારાને કારણે ડિલિવરી કરતા ગિગ વર્કર્સ (ડિલિવરી બોયઝ) હવે કંપનીઓ પાસે વધુ પેમેન્ટ અથવા ડિલિવરી ઈન્સેન્ટિવની માંગ કરી શકે છે. જો કે, રિપોર્ટ અનુસાર આ ભાવવધારા છતાં કંપનીઓની કમાણી (EBITDA) પર બહુ મોટી નકારાત્મક અસર નહીં પડે અને સ્થિતિ નિયંત્રણમાં રહેશે. કંપનીઓ આ ખર્ચનો કેટલોક હિસ્સો પોતે સહન કરશે, જ્યારે બાકીનો હિસ્સો ડિલિવરી ચાર્જ વધારીને ગ્રાહકો પાસેથી વસૂલ કરી શકે છે.
સમજો ડિલિવરીનું ગણિત: અત્યારે કેટલો ખર્ચ થાય છે?
એલારા કેપિટલના અંદાજ મુજબ, કંપનીઓ માટે ડિલિવરી કોસ્ટ નીચે મુજબ છે:
કેટેગરી / કંપની સરેરાશ ડિલિવરી કોસ્ટ (પ્રતિ ઓર્ડર)
ક્વિક કોમર્સ (ગ્રોસરી વગેરે) ₹ 35 થી ₹ 50
ફૂડ ડિલિવરી (સામાન્ય) ₹ 55 થી ₹ 60
Zomato આશરે ₹ 45
Swiggy આશરે ₹ 55
ઓર્ડર દીઠ કેટલો બોજ વધશે?
સામાન્ય રીતે કુલ ડિલિવરી કોસ્ટમાં પેટ્રોલનો હિસ્સો આશરે ૨૦% જેટલો હોય છે, જે પ્રતિ ઓર્ડર અંદાજે 9 થી 10 રૂપિયા થાય છે. હાલમાં જે 4 રૂપિયાનો વધારો થયો છે, તેનાથી ઓર્ડર દીઠ માત્ર 0.4 રૂપિયા (૪૦ પૈસા) જેટલી જ નકારાત્મક અસર પડશે.
પરંતુ જો આવનારા સમયમાં સ્થિતિ વધુ બગડે અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયા સુધીનો તોતિંગ વધારો ઝીંકાય, તો કંપનીઓના માર્જિન પર દબાણ આવશે. આવી આકરા સંજોગોમાં નાણાકીય વર્ષ 2027 (FY27) માં Zomato ના EBITDA પર 4 થી 5% અને Swiggy ના EBITDA પર 10 થી 12% જેટલી મોટી અસર પડી શકે છે. પરિણામે, કંપનીઓ ગ્રાહકો પર ડિલિવરી ફી, હેન્ડલિંગ ફી અથવા પ્લેટફોર્મ ચાર્જ વધારીને આ નુકસાનની ભરપાઈ કરવા મજબૂર બનશે.
આ પણ વાંચોઃ Heat Island : ભારતનું હીટ આઇલેન્ડ બાંદા , જ્યાં સવારના 10 વાગતા જ લાગી જાય છે કરફ્યુ, ગરમીનો પારો 48 ડિગ્રીને પાર