EPFO એ સેન્ટ્રલાઇઝ્ડ IT-Enabled Services (CITES) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જેના હેઠળ ખાતાધારકોના ડેટાબેઝને સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ વ્યક્તિગત રીતે આ પ્રોજેક્ટ વિશે વિગતો શેર કરી અને તેના ફાયદાઓ પણ જણાવ્યા છે. 


ખાતાધારકોની સર્વિસ રિક્વેસ્ટનો નિયમ બદલાયો

નવા નિયમો હેઠળ ડેટાબેઝના કેન્દ્રીયકરણથી EPFO ​​સભ્યોની સર્વિસ રિક્વેસ્ટનો નિયમ બદલાઈ ગયો છે. હવે ખાતાધારકોની સર્વિસ રિક્વેસ્ટને દેશભરમાં કોઈપણ જગ્યાએથી પ્રોસેસ કરી શકાય છે. પહેલાં, ખાતાધારકોની વિગતો અલગ અલગ સિસ્ટમો પર રેકોર્ડ કરવામાં આવતી હતી અને માહિતી એક જ પોર્ટલ પર ઉપલબ્ધ નહોતી; જો કે, સેન્ટ્રલાઈજ્ડ સિસ્ટમ હોવાથી દરેક સુવિધાઓ એક જ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. 


ખાતાધારકોને યૂનિફાઈડ ડિજિટલ ઇન્ટરફેસ મળશે

નવા નિયમો સાથે ખાતાધારકોને EPFO ​​પોર્ટલમાં લોગ ઇન કરવા પર યૂનિફાઈડ ડિજિટલ ઇન્ટરફેસની એક્સેસ મળશે. આનાથી તેઓ સભ્યપદ વિગતો, પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ, ક્લેમ સ્ટેટસ, પેન્શન રેકોર્ડ અને વધુ તપાસી શકાશે. આ PF ખાતાઓની એક્સેસને સરળ બનાવે છે અને પારદર્શિતા સુનિશ્ચિત કરે છે. ખાતામાં કોઈપણ ભૂલો પહેલેથી ઓળખીને તેને દૂર કરવામાં આવશે. 


પીએફ ક્લેમ રિજેક્ટ થવાની ઘટનામાં ઘટાડો

ડેટાબેઝના સેન્ટ્રલાઈજ્ડ થવાથી PF ક્લેમ રિજેક્ટ થવાની સંખ્યામાં ઘટાડો થવાની અપેક્ષા છે. દાવાઓ હવે પ્રથમ પ્રયાસમાં મંજૂર થઈ શકે છે, અને ખાતાધારકોને સ્પષ્ટપણે જાણ કરવામાં આવશે કે તેઓ કઈ કેટેગરી હેઠળ ફંડ ઉપાડી શકે છે. જૂની સિસ્ટમમાં ખાતાધારકોને ખબર નહોતી કે કેટલા પૈસા નીકાળી શકે છે. આ કારણથી તેમના ક્લેમ રિજેક્ટ થઈ જતા હતા. 


PF ક્લેમના નિયમોમાં ફેરફાર

નવા નિયમો હેઠળ ₹5 લાખ સુધીના દાવાઓ આપમેળે પ્રક્રિયા કરવામાં આવશે. જ્યારે અગાઉ, ફક્ત ₹1 લાખ સુધીના દાવાઓ આપમેળે સેટલ થતા હતા. વધુમાં ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. 13 અલગ અલગ નિયમોને બદલે ખાતાધારકો હવે ત્રણ ચોક્કસ કેટેગરી હેઠળ તેમના કુલ પીએફ બેલેન્સના 75% ઉપાડી શકે છે. પીએફ ક્લેમ સેટલમેન્ટ પર વ્યાજ હવે પેમેન્ટની મંજૂરી મળવાની તારીખ સુધી કાઉન્ટ કરવામાં આવશે. તેનાથી વધારાનું વ્યાજ મળી શકશે. 


PF એકાઉન્ટ નોકરી બદલતા જ સેલ્ફ ટ્રાન્ફર થઈ જશે

પીએફ ક્લેમ પ્રોસેસિંગ માટે ઓનલાઈન ક્વેરી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ક્લેમ પેમેન્ટ્સ સેન્ટ્રલાઈઝ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા હેન્ડલ કરવામાં આવશે. જેમાં ફંડ ઇલેક્ટ્રોનિક ચેનલો દ્વારા સીધા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જેનાથી પૈસા સુરક્ષિત રહેશે અને સમય પર સીધા ખાતામાં જમા થશે. વધુમાં, જ્યારે સભ્ય નોકરી બદલશે ત્યારે આધાર-આધારિત યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે જોડાયેલા પીએફ એકાઉન્ટ્સ આપમેળે ટ્રાન્સફર થઈ જશે, જેનાથી અલગ ટ્રાન્સફર અરજી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.


પેન્શન ક્લેમ પેમેન્ટ્સ માટેના નિયમો બદલાયા

પેન્શન સ્કીમ (EPS) હેઠળ પેન્શનરો માટે નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. ખાતાધારકો હવે તેમના સર્વિસ અથવા લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે કોઈપણ EPFO ​​ઓફિસની મુલાકાત લઈ શકે છે. વધુમાં દેશના કોઈપણ EPFO ​​પ્રાદેશિક કાર્યાલયમાં પ્રક્રિયા કરાયેલ પેન્શન ક્લેમ ફંડ દેશભરમાં કોઈપણ બેંક ખાતામાં જમા થઈ શકે છે. અગાઉ પેન્શન ફક્ત પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) ધરાવતી ચોક્કસ શાખામાંથી જ મેળવી શકાતું હતું.

આ પણ વાંચો: Viral Video: નદીમાં તરતો ખતરો! ભારે વરસાદના કારણે 3 હજાર LPG સિલિન્ડર તણાયા