PLB Bonus Update: તહેવારોની સિઝન શરૂ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓ પોતાના વાર્ષિક બોનસની રાહ જોઈ રહ્યા છે. ગ્રુપ B અને Cના નોન-ગેઝેટેડ કર્મચારીઓને મળતા પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB)ને લઈને ચર્ચા તેજ થઈ છે. કર્મચારી સંગઠનોએ સરકાર પર દશેરા પહેલાં બોનસ જાહેર કરવા માટે દબાણ શરૂ કર્યું છે. સૌથી મોટો મુદ્દો માત્ર બોનસની તારીખનો નહીં, પરંતુ બોનસની રકમનો પણ છે. કર્મચારીઓ ઈચ્છે છે કે બોનસ નક્કી કરવા માટેની જૂની મર્યાદા તાત્કાલિક વધારવામાં આવે.

ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે બોનસ

બોનસની ચુકવણીને લઈને 25 સપ્ટેમ્બરે પોસ્ટલ કર્મચારીઓની સંયુક્ત પરિષદે ડાક વિભાગના સચિવને પત્ર લખ્યો છે. તેમાં માંગ કરવામાં આવી છે કે 21 ઓક્ટોબરે યોજાનારી દુર્ગા પૂજા પહેલાં બોનસની રકમ કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવે. સામાન્ય રીતે સરકાર દર વર્ષે દશેરા પહેલાં PLB જાહેર કરે છે. આ વર્ષે દશેરા 20 ઓક્ટોબરે છે. ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઇઝ ફેડરેશન (AIDEF)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં બોનસની જાહેરાત થઈ શકે છે. ભારત પેન્શનર્સ સમાજના મહાસચિવ અવિનાશ રાજપૂતે પણ દશેરા પહેલાં રકમ મળવાની આશા વ્યક્ત કરી છે.

બોનસની મર્યાદા વધારવાની મોટી માંગ

હાલમાં સરકાર ₹7,000ની માસિક મર્યાદાના આધારે બોનસની ગણતરી કરે છે. નેશનલ કાઉન્સિલ ફોર જ્વોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) સહિત અનેક સંગઠનો આ મર્યાદા વધારીને ₹21,000 કરવાની માંગ કરી રહ્યા છે. NC-JCMના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જ્યારે સરકારે પોતે લઘુતમ વેતન ₹21,000 નક્કી કર્યું છે, ત્યારે બોનસની મર્યાદા પણ તેનાથી ઓછી ન હોવી જોઈએ. શ્રમ મંત્રાલયની એક સૂચના અનુસાર, અકુશળ કામદારોનું લઘુતમ વેતન લગભગ ₹21,000 થાય છે.

ખાતામાં કેટલી રકમ આવશે?

હાલમાં ₹7,000ની મર્યાદા અને 30.4 દિવસના સરેરાશના આધારે બોનસની ગણતરી કરવામાં આવે છે. આ ગણતરી પ્રમાણે કર્મચારીઓને લગભગ ₹6,908નું બોનસ મળે છે. કર્મચારીઓનું કહેવું છે કે હાલના મોંઘવારીના સમયમાં કોઈપણ શહેરમાં રહેતા વ્યક્તિ માટે ₹6,908ની રકમ ઘણી ઓછી છે. જો સરકાર કર્મચારી સંગઠનોની માંગ સ્વીકારીને મર્યાદા ₹21,000 કરે છે, તો કર્મચારીઓને લગભગ ₹20,724નું બોનસ મળી શકે છે.

આયુધ ફેક્ટરીના કર્મચારીઓનો વિરોધ

બોનસના મુદ્દે 30 સપ્ટેમ્બરે AIDEF દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધ સરકારના તે નિર્ણય સામે છે, જેમાં ચાર આયુધ ફેક્ટરીના કર્મચારીઓને 30 દિવસને બદલે 18.56 દિવસના આધારે બોનસ આપવાની વાત કરવામાં આવી છે. તેમાં શાહજહાંપુર, કાનપુર, અવાડી અને હઝરતપુરની ફેક્ટરીઓનો સમાવેશ થાય છે. સંગઠનની માંગ છે કે આ કર્મચારીઓને પણ ₹21,000ની મર્યાદા સાથે સંપૂર્ણ 30 દિવસના આધારે બોનસ આપવામાં આવે.

આ પણ વાંચો: પોસ્ટ કર્મચારીઓની માગ, દુર્ગા પૂજા અને દિવાળી પહેલાં ચૂકવો બોનસ