કેન્દ્ર સરકારના ટપાલ વિભાગ (Post Office) માં કામ કરતા કર્મચારીઓએ વર્ષ 2025-26 માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) ની વહેલી ચુકવણીની માંગ કરી છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ટપાલ કર્મચારી યુનિયનોએ સરકારને દુર્ગા પૂજા પહેલાં જ આ બોનસની રકમ ચૂકવી દેવા વિનંતી કરી છે. આ ઉપરાંત, કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ હેઠળ બોનસ ગણતરીની પદ્ધતિમાં પણ સુધારા કરવાની માંગ ઉઠાવી છે.

દુર્ગા પૂજા અને દિવાળી પહેલાં નાણાકીય સહાયની જરૂરિયાત

સાત પોસ્ટલ કર્મચારી યુનિયનોના છત્ર સંગઠન 'જોઈન્ટ કાઉન્સિલ ઓફ પોસ્ટલ એમ્પ્લોયીઝ' (JCPE) એ પોસ્ટ વિભાગના સચિવને પત્ર લખીને 17 ઓક્ટોબર સુધીમાં પીએલબી રિલીઝ કરવા જણાવાયું છે. આ વર્ષે 17 ઓક્ટોબરથી દુર્ગા પૂજા, 21 ઓક્ટોબરે દશેરા અને 8 નવેમ્બર, 2026ના રોજ દિવાળીનો તહેવાર આવે છે. તહેવારોના સમયમાં કર્મચારીઓ અને તેમના પરિવારના ખર્ચમાં મોટો વધારો થતો હોવાથી, તેમને સમયસર નાણાકીય રાહત મળી રહે તે માટે આ વહેલી ચુકવણીની માંગ કરવામાં આવી છે.

બોનસ રુ.7,000 થી વધારીને રુ.21,000 કરવાની માંગ

વહેલી ચુકવણી ઉપરાંત, કર્મચારી મંડળોએ બોનસની ગણતરી માટે નક્કી કરાયેલી લઘુત્તમ વેતન મર્યાદામાં ફેરફાર કરવાની પણ રજૂઆત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના 'વેતન સંહિતા, 2019' ના નિયમો મુજબ હાલમાં રુ.7,000 અથવા કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલ લઘુત્તમ વેતનના આધારે બોનસની ગણતરી કરવામાં આવે છે.

કર્મચારીઓની રોકડ આવક વધશે

'નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી' (NC-JCM) ના સ્ટાફ પક્ષે કેબિનેટ સચિવને પત્ર લખીને આ સીલિંગ મર્યાદા રુ.7,000થી વધારીને રુ.21,000 કરવાની દલીલ કરી છે. કેન્દ્ર સરકારે તેના સુધારેલા માળખામાં લઘુત્તમ વેતન વધારીને રુ.21,000 પ્રતિ માસ કર્યું હોવાથી, બોનસ ગણતરીનો આધાર પણ તેટલો જ હોવો જોઈએ. જો સરકાર આ માંગ સ્વીકારી લે છે, તો પોસ્ટલ અને કેન્દ્રીય કર્મચારીઓ માટે બોનસ બેઝ ત્રણ ગણો વધી જશે, જેનાથી તહેવારોમાં તેમના હાથમાં મોટી રોકડ રકમ આવશે.


આ પણ વાંચો : UPI Charges: સુપ્રીમ કોર્ટે UPI વ્યવહારો પર લાગતા MDR પર તાત્કાલિક રોક લગાવવાનો કર્યો ઇનકાર, જાણો સુનાવણીમાં શું થયું