PM Surya Ghar Yojana: સરકારની પીએમ સૂર્ય ઘર યોજના સામાન્ય લોકો માટે મોટી રાહત બની રહી છે. મોંઘા વીજળીના બિલથી પરેશાન લોકોને હવે તેનો કાયમી ઉકેલ મળી રહ્યો છે. તાજા આંકડા પ્રમાણે દેશભરમાં 55 લાખ 82 હજારથી વધુ પરિવારોએ આ યોજના હેઠળ પોતાના ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવી દીધા છે. આ પરિવારોનું વીજળીનું બિલ હવે ખૂબ જ ઓછું થઈ ગયું છે. ખાસ વાત એ છે કે તેમાં એકલા ગુજરાતના લગભગ 11 લાખ 77 હજાર પરિવાર સામેલ છે.
PM મોદીએ સૂર્ય ઘર યોજનાની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન પીએમ સૂર્ય ઘર યોજનાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આ યોજનાનો વિસ્તાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. PM મોદીના જણાવ્યા મુજબ, 55 લાખ પરિવારોએ પોતાના ઘરની છત પર સોલર પ્લાન્ટ લગાવીને નવી શરૂઆત કરી છે. તેમણે કહ્યું કે હવે લોકો માત્ર વીજળીના ગ્રાહક રહ્યા નથી, પરંતુ પોતે પણ વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છે. ગુજરાતના 11 લાખ ઘરોનું ઊર્જા ઉત્પાદક બનવું મોટી સફળતા છે.
https://twitter.com/PMSuryaGhar/status/2097247276708282549
યુવાનો માટે રોજગારીની નવી તકો
આ યોજના માત્ર વીજળીનું બિલ ઘટાડવા પૂરતી મર્યાદિત નથી. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થઈ રહ્યો છે. સોલર પેનલ બનાવવાથી લઈને તેને ઘરની છત પર લગાવવા સુધીના અનેક કામ વધી રહ્યા છે. આ ઉપરાંત સોલર પેનલની સર્વિસ અને જાળવણીના ક્ષેત્રમાં પણ કામની તકો વધી છે. PM મોદીએ જણાવ્યું કે આ યોજનાથી મોટી સંખ્યામાં યુવાનોને નવી રોજગારી મળી છે. બજારમાં ઘણા નવા વેન્ડર પણ ઉભા થયા છે. આ રીતે સરકારી યોજના લોકોને સ્વરોજગારની તક પણ આપી રહી છે.
ગુજરાતે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 લાખ 33 હજારથી વધુ સોલર ઇન્સ્ટોલેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આ સોલર પ્લાન્ટથી લગભગ 3,123 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. સરકાર દ્વારા સબસિડીના રૂપમાં 6,030 કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે.
દેશભરમાં સોલર ઊર્જાનો ઝડપથી વિસ્તાર
સમગ્ર દેશમાં પણ આ યોજના ઝડપથી આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં 46 લાખ 94 હજારથી વધુ સોલર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ ચૂક્યા છે. તેના કારણે નેશનલ ગ્રિડમાં 16,530 મેગાવોટથી વધુ સોલર વીજ ઉત્પાદન ક્ષમતા જોડાઈ છે. લોકોને ઓછા વીજળી બિલનો ફાયદો મળી રહ્યો છે અને તેમની સારી એવી બચત પણ થઈ રહી છે. બીજી તરફ સોલર પેનલના ઉત્પાદનથી લઈને તેની સર્વિસ અને જાળવણી સુધીના ક્ષેત્રમાં નવા સ્ટાર્ટઅપ્સ અને રોજગારીની તકો પણ ઊભી થઈ રહી છે.
આ પણ વાંચો: વાંકાનેરમાં સોલાર વાયર ચોરતી ગેંગના 5 તસ્કરોને LCB એ દબોચ્યા, 14.13 લાખનો મુદ્દામાલ જપ્ત