પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા વધારા બાદ હવે સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો 'સાયલન્ટ એટેક' થયો છે. ઈંધણ મોંઘું થવાને કારણે ટ્રાન્સપોર્ટ અને માલસામાનની હેરાફેરીનો ખર્ચ (લોજિસ્ટિક્સ કોસ્ટ) વધી ગયો છે. આ જ કારણે છેલ્લા ૧૫ દિવસમાં જ આપણી રોજિંદી જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓના ભાવ ચુપચાપ વધી ગયા છે, જેનાથી સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે.
દૂધ અને ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ભડકો
છેલ્લા કેટલાક દિવસોમાં દૂધના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે. અમૂલ ગોલ્ડ (Amul Gold) ના ૧ લીટરના પેકેટનો ભાવ ૬૮ રૂપિયાથી વધીને ૭૦ રૂપિયા થઈ ગયો છે. જ્યારે અમૂલ તાઝા પણ ૫૫ રૂપિયાથી વધીને ૫૭ રૂપિયા પર પહોંચી ગયું છે. મધર ડેરીનું ફૂલ ક્રીમ દૂધ હવે ૬૯ ને બદલે ૭૨ રૂપિયા પ્રતિ લીટર અને ભેંસનું દૂધ સીધું ૫ રૂપિયા મોંઘું થઈને ૮૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
સાબુ, સર્ફ અને ટૂથપેસ્ટ પણ મોંઘા
કાચા માલના ભાવમાં ૧૧% અને પેકેજિંગ ખર્ચમાં ૫૬% નો તોતિંગ વધારો થતાં HUL, ડાબર અને કોલગેટ જેવી કંપનીઓએ ભાવ વધાર્યા છે. ડવ (Dove) અને પિયર્સ (Pears) જેવા પ્રીમિયમ સાબુ ૪ થી ૫% મોંઘા થયા છે. ડિટર્જન્ટ પાવડરના ભાવમાં ૫ થી ૧૧% નો વધારો થયો છે, જ્યારે ટૂથપેસ્ટની વિવિધ રેન્જ પણ મોંઘી થઈ ગઈ છે.
રસોઈનું તેલ, દાળ અને શાકભાજી
ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં છૂટક બજારમાં ખુલ્લા ચોખા અને દાળના ભાવમાં કિલોએ ૫ થી ૭ રૂપિયાનો વધારો થયો છે. મેરીકો કંપનીએ તેના પ્રખ્યાત ખાદ્ય તેલ 'સફોલા' (Saffola) ના ભાવમાં ૬ થી ૧૧% નો વધારો કર્યો છે. શાકભાજીની વાત કરીએ તો, ટામેટા જે ૧૫ દિવસ પહેલા ૩૦-૪૦ રૂપિયા કિલો હતા, તે હવે ૬૦-૭૦ રૂપિયા પર પહોંચી ગયા છે. આ સિવાય બટાકા, રીંગણ, ભીંડા, આદુ અને લીલા મરચાના ભાવમાં પણ કિલોએ ૫ થી ૧૦ રૂપિયાનો વધારો થયો છે.
બહાર જમવું પણ મોંઘું થયું
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ વધવાને કારણે રેસ્ટોરન્ટ અને હોટલ માલિકોએ પણ પોતાના ફૂડ મેન્યુના ભાવ આશરે ૧.૮% સુધી વધારી દીધા છે. આમ, સવારના દૂધથી લઈને રાતના ડિનર સુધી બધું જ મોંઘું થતાં સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે.
આ પણ વાંચો:Marine Life: અંતરિક્ષ કરતાં પણ રહસ્યમય છે સમુદ્રની દુનિયા! જાણો વૈજ્ઞાનિકો માટે કેમ મુશ્કેલ છે દરિયાના ઊંડાણની ખોજ