અવારનવાર એવું સાંભળવા મળે છે કે વૈજ્ઞાનિકોએ હવે મહાસાગરોની ખોજ કરવાનું બંધ કરી દીધું છે અને તેમનું આખું ધ્યાન અંતરિક્ષ (Space) પર કેન્દ્રિત કર્યું છે. જો કે, હકીકત એ છે કે વૈજ્ઞાનિકોએ સંશોધન બંધ નથી કર્યું, પરંતુ અંતરિક્ષની સરખામણીએ ઊંડા સમુદ્રમાં રિસર્ચની ગતિ ઘણી ધીમી છે. આજે પણ દુનિયાના 80% થી વધુ મહાસાગરોનો નકશો (Map) તૈયાર કરી શકાયો નથી. આ જ કારણે ઊંડો સમુદ્ર પૃથ્વી પરનો સૌથી ઓછો સમજાતો વિસ્તાર બની રહ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, બ્રહ્માંડના કરોડો કિલોમીટર દૂરના ગ્રહો પર પહોંચવા કરતાં સમુદ્રના સૌથી ઊંડા ભાગમાં જવું વધુ મુશ્કેલ છે. દરિયાની સપાટી નીચે રહેલા કેટલાક કુદરતી પડકારો આ માટે જવાબદાર છે, જે નીચે મુજબ છે:
પાણીનું અતિશય દબાણ
અંતરિક્ષમાં જનારા અવકાશયાત્રીઓને મુખ્યત્વે શૂન્ય દબાણ (વૈક્યૂમ) નો સામનો કરવો પડે છે. પરંતુ સમુદ્રમાં જેમ-જેમ ઊંડા જઈએ તેમ પાણીનું દબાણ ઝડપથી વધે છે. પૃથ્વીના સૌથી ઊંડા ગણાતા 'મારિયાના ટ્રેન્ચ' પર દબાણ સામાન્ય દરિયાઈ સપાટી કરતાં ૧૦૦૦ ગણું વધારે હોય છે. આટલું પ્રચંડ દબાણ કોઈપણ સામાન્ય સબમરીન કે વૈજ્ઞાનિક ઉપકરણોને સેકન્ડોમાં કચડી નાખવા માટે સક્ષમ છે.
ઘનઘોર અંધકાર અને મર્યાદિત વિઝિબિલિટી
અંતરિક્ષમાં સૂર્ય અને તારાઓનો પ્રકાશ લાખો કિલોમીટર દૂર સુધી પહોંચે છે. તેની વિપરીત, સમુદ્રમાં સૂર્યના કિરણો માત્ર ૨૦૦ મીટરની ઊંડાઈ સુધી જ જઈ શકે છે. તે પછી આખો દરિયો ઘનઘોર અંધારામાં ડૂબી જાય છે, જ્યાં જોવું અશક્ય બની જાય છે.
કમ્યુનિકેશનની મોટી સમસ્યા
પાણીની અંદર સંપર્ક જાળવી રાખવો એ સૌથી મોટો પડકાર છે. અંતરિક્ષમાં રેડિયો તરંગો (Radio Waves) સરળતાથી મુસાફરી કરે છે, જેનાથી લાખો કિલોમીટર દૂર રહેલા રોવર સાથે પણ વાતચીત થઈ શકે છે. પરંતુ પાણીની અંદર આ રેડિયો સિગ્નલો નકામા સાબિત થાય છે.
થીજવી દેતું તાપમાન અને મોંઘા મિશન
સમુદ્રના તળિયે તાપમાન સામાન્ય રીતે 0°C થી 3°C ની વચ્ચે હોય છે. આ થીજવી દેતી ઠંડી ઉપકરણોની બેટરી અને મિકેનિકલ સિસ્ટમને નબળી પાડે છે. આવા ખતરનાક વાતાવરણમાં ટકી શકે તેવી ખાસ સબમરીન, સેન્સર્સ અને સંશોધન જહાજો બનાવવા પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. આ જ કારણે વૈજ્ઞાનિકો માટે સમુદ્રના રહસ્યો ખોલવા એ અંતરિક્ષ કરતાં પણ મોટો પડકાર છે.
આ પણ વાંચો:Stock Market Opening: શાંતિ સમજૂતીની જાહેરાત બાદ શેરબજારમાં તેજી, સેન્સેક્સ 351 પોઇન્ટ વધ્યો