વિદેશમાં રાખવામાં આવેલા સોનાના ભંડારને સ્વદેશ પરત લાવવાની દિશામાં ભારતે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજેતરના અર્ધવાર્ષિક અહેવાલ મુજબ, એપ્રિલ અને સપ્ટેમ્બર 2026 વચ્ચે લંડન સ્થિત બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી 60 ટનથી વધુ સોનું ભારત પરત લાવવામાં આવ્યું છે. આ સતત પ્રયાસોને કારણે દેશની અંદર સંગ્રહિત સોનાનો હિસ્સો વધીને હવે 84% સુધી પહોંચી ગયો છે, જે વર્ષ 2024 માં માત્ર 47% અને માર્ચ 2026 માં 77% હતો.
કુલ સોનાનો ભંડાર અને વિદેશી હૂંડિયામણની સ્થિતિ
RBI ના આંકડા અનુસાર, સપ્ટેમ્બર 2026 ના અંત સુધીમાં ભારતનો કુલ સોનાનો ભંડાર 880.52 મેટ્રિક ટન હતો. તેમાંથી 740.13 મેટ્રિક ટન (84%) સોનું હવે ભારતમાં જ સુરક્ષિત રાખવામાં આવ્યું છે, જ્યારે બાકીનું 140.39 મેટ્રિક ટન સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) પાસે અનામત છે. વધતા જતા વૈશ્વિક ભૂરાજકીય જોખમોને ધ્યાનમાં રાખીને ભારત છેલ્લા બે વર્ષથી તબક્કાવાર પોતાનું સોનું પરત લાવી રહ્યું છે.
