લોકસભા બેઠકોના સીમાંકન અંગે દેશમાં ચાલી રહેલી રાજકીય ચર્ચા વચ્ચે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) એ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. DMK પ્રમુખ એમકે સ્ટાલિને જણાવ્યું છે કે સીમાંકન મુદ્દે પાર્ટીની માંગણીઓમાં કોઈ ફેરફાર થયો નથી અને તમિલનાડુના હિત સાથે કોઈપણ કિંમતે સમાધાન કરવામાં આવશે નહીં. સ્ટાલિનના મતે, સીમાંકનથી થનારા સંભવિત નુકસાનનો મુદ્દો ઉઠાવનાર અને ચેન્નાઈમાં સર્વપક્ષીય બેઠક યોજનાર DMK દેશની પ્રથમ પાર્ટી હતી.

સીમાંકન પર DMK ની બે મુખ્ય શરતો

તમિલનાડુ વિધાનસભા અને સંયુક્ત કાર્યવાહી સમિતિમાં પસાર થયેલા ઠરાવોને ટાંકીને DMK એ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે:

પહેલી માંગ: જો લોકસભા બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવે, તો પણ તમિલનાડુનો વર્તમાન 7.18% હિસ્સો કોઈપણ સંજોગોમાં ઘટાડવો જોઈએ નહીં.

બીજી માંગ: 1971 ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરાયેલો રાજ્યો વચ્ચેનો સંસદીય પ્રતિનિધિત્વનો ગુણોત્તર આગામી 25 વર્ષ (અઢી દાયકા) સુધી યથાવત જાળવી રાખવામાં આવે.
https://x.com/mkstalin/status/2126210012200734752?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2126210012200734752%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મોદી સરકાર શરતો સ્વીકારવા તૈયાર

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોદી સરકાર DMK ની આ બંને શરતો સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે અને આ અંગે ટૂંક સમયમાં કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. સરકાર શરતો સ્વીકારે ત્યારબાદ DMK સીમાંકન બિલને સમર્થન આપશે. આ અંગે અંતિમ નિર્ણય જાહેર કરવા DMK એ આવતીકાલે તેના લોકસભા અને રાજ્યસભાના સાંસદોની મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે.

કોંગ્રેસ પર સ્ટાલિનનો કટાક્ષ

પોતાના નિવેદનમાં એમકે સ્ટાલિને વિરોધીઓ પર આકરા પ્રહારો કરતાં નામ લીધા વિના કોંગ્રેસ પર નિશાન સાધ્યું હોવાનું મનાય છે. તેમણે કહ્યું કે સત્તા માટે પોતાના સિદ્ધાંતોનો ત્યાગ કરનારા લોકો "બેશરમ અને કૃતઘ્ન" છે. સ્ટાલિને સ્પષ્ટ કર્યું કે મીડિયાની અટકળો કે વિરોધીઓની ટિપ્પણીઓ DMK ના સિદ્ધાંતોને બદલી શકશે નહીં અને પાર્ટી રાજ્યના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ 10,000 કર્મચારીઓ પર છટણીનું સંકટ, આ દેશની દિગ્ગજ કંપની કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં